નવી દિલ્હીઃ કાઈલી જેનર વિશ્વની સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ બની ગઈ છે. ફોર્બ્સ બિલિયનર્સ લિસ્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. 21 વર્ષીય રિયાલિટી ટીવી સ્ટાર અને મેક અપની દુનિયાની ક્વીન કાઈલી જેનરને કાઈલી કોસ્મેટિક્સની સ્થાપના કરી અને ત્રણ વર્ષ જૂના બ્યૂટી બિઝનેસે વિતેલા વર્ષે 36 કરોડ ડોલરનું વેચાણ કર્યું છે.
કાઇલી જેનરે ઓછી ઉંમરમાં જ ખુદના જોરે આ સિદ્ધિ મેળવી છે. રસપ્રદ વાત એ છે કે, કાઇલી જેનરે આ મામલે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને પાછળ છોડી દીધો છે. કેમ કે, માર્ક ઝકરબર્ગ 23 વર્ષની ઉંમરમાં અબજોપતિ બન્યા હતા. જ્યારે ફોર્બ્સના લિસ્ટમાં એમેઝોનના સંસ્થાપક જેફ બિઝોસ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ 131 અબજ ડોલરના માલિક છે.
કાઇલી જેનરે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને પાછળ તો કરી દીધા છે. પરંતુ તેમની આવક પણ જાણવી રસપ્રદ હશે. માર્કની આવક ઘટી છે. ગયા વર્ષની સરખામણીએ તેમની સંપત્તિ 8.7 અબજ ડોલર ઘટી છે. તેમની સંપત્તિ 62.3 અબજ ડોલર છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, દુનિયાની સૌથી યુવા અબજોપતિ કાઇલી જેનરની કંપનીમાં 15થી પણ ઓછા કર્મચારીઓ કામ કરે છે. ઉપરાંત તેની કંપનીની કોઇ વધુ માર્કેટીંગ કોસ્ટ પણ નથી.