નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર જાવેદ જાફરી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રાખતા આવે છે, જેના કારણે તેને ટ્રોલનો પણ સામનો કરવો પડતો હોય છે. હવે જાવેદ જાફરીએ સોશિયલ મીડિયામાંથી દૂર થવાની જાહેરાત કરી છે. તેનું આ ટ્વીટ લોકોનું ખૂબ ધ્યાન ખેંચી રહ્યું છે. જાવેદે ખુદ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવાની જાહેરાત કરી છે.


જાવેદે લખ્યું કે, તેના માટે દેશ એટલે કે ભારત પહેલા છે. પોતાના ટ્વીટમાં એક્ટરે લખ્યું કે નફરત અને ટ્રોલિંગને વધારે સહન નહીં કરી શકું. સ્થિતિ સુધરે ત્યાં સુધી સોશિયલ મીડિયા છોડું છું. આશા રાખું છું કે બધું ઝડપથી સારું થઈ જશે. ઇંશાઅલ્લાહ. ભારત પહેલા છે, જય હિંદ. ત્યાર બાદ તો જાવેબ જાફરીને સલાહ આપનારા અને તેને ટ્રોલ કરનારાઓ તૂટી પડ્યા છે.


નોંધનીય છે કે, આ પહેલા જાવેદ જાફરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જાવેદ જાફરીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. વિડીયોમાં જાવેદ જાફરી કહે છે કે, “તમે હિંદુ-મુસલમાનોને લડાવી રહ્યા છો. આ રમત બંધ કરો. આગળ શું કરવાનું છે તેની વાત કરો. રોટલી આપો, મકાન આપો, આ વિશે વાત કરો. પહેલા કહેતા હતા કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે. ચાલો માન્યું પણ તમે શું કરી રહ્યા છો?”


જાવેદ જાફરીનો આ વિડીયો અતુલ કસબેકરી રવિવારે શેર કર્યો હતો. શેર કર્યા બાદ વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જાવેદ આગળ કહે છે, “તમે કહ્યું હતું કે અમે સ્કૂલ બનાવીશું, શિક્ષણ આપીશું, બેરોજગારી ઘટાડીશું. પરંતુ એ વાત તો તમે કરતાં જ નથી. તમે તો એમ કહો છો કે મંદિર બનાવીશું. શું બીજું કશું નથી બનાવવા માટે, દેશ બનાવો. આ નાગરિકતા સંશોધન એક્ટ છે તે ખૂબ ખતરનાક છે.”

જાવેદે કહ્યું, “નાગરિકતા સંશોધન એકટ આંબેડકરે તૈયાર કરેલા બંધારણની વિરુદ્ધ છે. લોકોને મૂર્ખ ના બનાવો. લોકો પાસે નોકરી નથી, ભૂખે મરી રહ્યા છે.” જાવેદ જાફરીએ વિડીયોમાં આગળ રાહત ઈંદોરીને એક શેર પણ સંભળાવ્યો હતો. CAAના વિરોધને કારણે જાવેદ જાફરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો જેના કારણે તેણે ટ્વિટરને અલવિદા કહી દીધું છે.