નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજઘાટ પર સત્યાગ્રહના મંચથી પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે, દેશના દુશ્મનોએ અવાજને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. આ દુશ્મનોએ દેશની અર્થવ્યવસ્થાને તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ લોકોના અવાજે એવું ન થવા દીધું.


રાહુલે કહ્યું કે, ‘જે કામ દેશના દુશ્મન ન કરી શક્યા તે કામ આજે પીએમ મોદી પૂરું જોર લગાવીને કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમનો પ્રયત્ન છે કે આપણી ઉન્નતી નષ્ટ થઈ જાય અને દેશનો અવાજ સાંત થઈ જાય. નરેન્દ્ર મોદી જ્યારે કોર્ટ પર દબાણ કરે છે તો તે દેશના અવાજને નુકસાન પહોંચાડે છે. જ્યારે તે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવડાવે છે ત્યારે તે દેશનો અવાજને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે તે પત્રકારોને ડરાવે છે ત્યારે દેશના અવાજને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’



રાહુલે કહ્યું કે, જ્યારે તમે હિન્દુસ્તાનના યુવાનો પાસેથી રોજગારી છીનવો છો, નોટબંધી કરો છો તો દેશનો અવાજ દબાવો છો. તમે કોંગ્રેસ લડી રહ્યા નથી આ કોંગ્રેસ પાર્ટી નહીં દેશનો અવાજ છે અને તમે દેશના અવાજની વિરૂદ્ધ છો.


રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને અને તમારા મિત્ર અમિત શાહને કહેવા માંગીશ કે આ અવાજ કોંગ્રેસનો જ નહીં પરંતુ ભારત માતાનો અવાજ છે. તમે એ વાત ના ભૂલો કે જો તમે ભારત માતાના અવાજની સામે ઉભા રહેશે તો ભારત માતા તમને જબરદસ્ત જવાબ આપવાની છે. જ્યાં સુધી કપડાની વાત છે મોદી જી, આખો દેશ તમને તમારા કપડાંથી ઓળખે છે. બે કરોડનો સૂટ પ્રજાએ નહીં તમે પહેર્યો હતો. તમે દેશને જવાબ આપો કે તમે દેશના અર્થતંત્રને કેમ નષ્ટ કર્યુ. તમે જણાવો કે 9 ટકા વિકાસ દરને 4 ટકા કેવી રીતે કરી દીધો. તમે રોજગારી આપી શકયા નથી. આથી તમે નફરતની પાછળ છુપાઇ રહ્યા છો, આથી દેશના ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો.