મુંબઈ: વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન છે. આ દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસકર્મી અને ડોક્ટર્સ પર ઈન્દોર હૈદરાબાદ સહિત અલગ-અલગ જગ્યાઓ પર હુમલા કરવામાં આવ્યા હતાં. જેને લઈને બોલિવૂડ સેલેબ્સે આક્રોશ વ્યક્ત કર્યો છે. બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયામાં ગુસ્સો પ્રગટ કર્યો હતો.



રીષિ કપૂરે ચાહકોને વિનંતી કરી છે કે આ મુશ્કેલ સમયમાં સહયોગ આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું, ભાઈ તથા બહેનોને અપીલ છે કે આ હિંસા, પથ્થરમારો ના કરો. ડોક્ટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ વગેરે તમારું જ જીવન બચાવવા માટે કામ કરી રહ્યાં છે. આપણે સાથે મળીને કોરોનવાઈરસની જંગ જીતી શકીશું. જય હિંદ



આ ઘટનાની નિંદા કરતા દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ ટ્વિટ કરતા લખ્યું, 'ડૉક્ટરો,સ્વાસ્થ્ય કર્મચારીઓ અને પૈરામેડિકલ સ્ટાફની સમગ્ર દેશમાં સરાહનાઓ વચ્ચે ઈન્દોરમાં હુમલાવરો દ્વારા તેમના પર ગેર કાયદે હુમલાની ખબર આવી છે. એક ભીડ આવા લોકો પર કઈ રીતે હુમલો કરી શકે છે, જેઓ આપણો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે? દુખદ અને શર્મનાક. '



અભિનેતા અને રાજનેતા પરેશ રાવલે ટ્વિટ કરતા કહ્યું હતું કે જરા વિચાર તો કરો કે જેમણે આવું અમાનવીય વર્તન કર્યું, ડોક્ટર્સ તેમની સારવાર કરવાની ના પાડી દે તો ?



જાવેદ અખ્તર આ વિશે કહે છે કે, હુ એ લોકોની કડક નિંદા કરુ છુ, જેમણે ઈન્દોરમાં ડૉક્ટરો પર પથ્થરમારો કર્યો છે અને આશા રાખુ છુ કે ઈન્દોરની પોલીસ આવા લોકો સામે નરમ વલણ નહી અપનાવે. હુ બીજાને અનુરોધ કરુ છુ કે દરેક જગ્યાએ ડૉક્ટર, પોલીસ અને પ્રશાસનને સહયોગ કરે. કોરોના સામે લડવા માટે સમગ્ર દેશને એકજૂટ થવું જોઈએ.