મુંબઈઃ સબ ટીવીના જાણીતા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર ભજવનારા એક્ટર દિલીપ જોશી પણ ઋષિ કપૂરનો ફેન હોવાનો ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો ચે. કેન્સર સામે બે વર્ષની લાંબી લડાઈ બાદ ઋષિ કપૂરે ગુરુવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધનથી દિલીપ જોશી પણ ઘણો ભાવુક છે.


સ્પૉટબોયને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ કહ્યું, "દુર્ભાગ્યવશ મને તેમની સાથે કામ કરવાનો ક્યારેય મોકો મળ્યો નથી પરંતુ તેમની પત્ની નીતૂ સાથે ફિલ્મ 'દો દુની ચાર'ના પ્રમોશન માટે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર આવ્યા ત્યારે તેમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

દિલીપ જોશીએ આગળ કહ્યું, "હું તે એપિસોડનો હિસ્સો નહોતો. પરંતુ તેમને મળવા સેટ પર આવ્યો અને થોડી વાતચીત થઈ. જે મારું સપનું સાચુ થવા બરાબર હતું. હું તેમની ફિલ્મો જોઈને જ મોટો થયો છું અને મોટો ફેન છું. મેં તેમની ફિલ્મો 'હમ કિસી સે કમ નહીં', 'કર્ઝ' જોવા માટે બ્લેકમાં ટિકિટ ખરીદી છે. ઋષિજીને મેં જ્યારે તેમને આ વાત કહી ત્યારે તેઓ ખૂબ હસ્યા હતા. નીતુજી પણ ત્યાં હતા અને ખૂબ પ્રેમાળ છે."