અમદવાદઃ કોરોના વાઈરસ સામેની લડતમાં કેસ બમણા થવાનો દર સતત સુધરી રહ્યો હોવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવાઓ વચ્ચે દેશમાં કોવિડ-૧૯ના કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે લૉકડાઉન વધુ બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ૧૭મી મે સુધી લૉકડાઉન અમલમાં રહેશે. જોકે, સરકારે દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોનમાં વિભાજિત કર્યો છે. રેડ ઝોનમાં આકરાં પ્રતિબંધો યથાવત રાખ્યા છે જ્યારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. આ સાથે ગૃહમંત્રાલયે દરેક ઝોન માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.


રેડ ઝોન તરીકે જે જિલ્લા છે તેનું વર્ગીકરણ કરતા સમયે એક્ટિવ કેસની કુલ સંખ્યા, કન્ફર્મ કેસનો ડબલિંગ રેશિયો, જિલ્લામાંથી મળેલ કુલ ટેસ્ટિંગ અને તપાસની સુવિધા સંબંધીત જાણકારીઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રીન ઝોન એવા જિલ્લા છે જ્યાં અત્યાર સુધીમાં એક પણ કોરોનાનો કેસ નથી આવ્યો અથવા તો છેલ્લા 21 દિવસમાં કોઈ નવો કેસ નથી આવ્યો. આ બે વર્ગિકૃત સિવાયના જે વિસ્તાર છે તેને ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં કુલ 19 જિલ્લા એવા છે જેને ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યા છે તેમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

દરેક ઝોનમાં આ સેવાઓ પર પ્રતિબંધ રહેશે

હવાઈ, રેલવે, મેટ્રો અને આંતરરાજ્ય માર્ગ પરિવહન સેવાઓ. સ્કૂલો, કોલેજ અને કોચિંગ ક્લાસ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ. હોટેલ્સ અને રેસ્ટોરાં સહિતની હોસ્પિટાલિટી સેવાઓ. સિનેમા હોલ, મોલ્સ, પાર્ક, જીમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતના સ્થળો. પૂજાના જાહેર ધાર્મિક સ્થળો. ગૃહ મંત્રાલયની મંજૂરીથી કેટલીક સેવાઓ માટે હવાઈ, રેલવે અને માર્ગ પરિવહનને મંજૂરી અપાશે.

ઓરેન્જ ઝોનમાં છૂટછાટ

આ ઝોનમાં રેડ ઝોનની બધી જ છૂટછાટો ચાલુ રહેશે. તે ઉપરાંત ટેક્સી અને કેબના સંચાલનની મંજૂરી અપાઈ છે, પરંતુ તેમાં ડ્રાઈવર સિવાય માત્ર એક જ પેસન્જર બેસાડી શકાશે. આ સિવાય છૂટ મેળવનાર સેવાઓમાં સામેલ લોકો અને વ્હિકલને જિલ્લા બહાર આવવા-જવાની મંજૂરી હશે. ફોર વ્હિલમાં ડ્રાઈવર સિવાય બે જ પેસેન્જર બેસી શકશે. ટુ વ્હિલરમાં પાછળ એક વ્યક્તિને બેસવાની મંજૂરી હશે.

રેડઝોનમાં ક્યાં મળશે છૂટછૂટ

  • ગ્રામીણ ક્ષેત્રોમાં તમામ પ્રકારના ઔદ્યોગિક અને ઉત્પાદન એકમોના કામ, મનરેગાના કામ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, ઈંટ-ભઠ્ઠા

  • શહેરી ક્ષેત્રોમાં પણ શોપિંગ મોલ સિવાયની દુકાનો ખુલી રહેશે.

  • ખેતી કામ, પશુપાલન, માછલી પાલન

  • ગ્રામીણ વિસ્તારમાં પ્લાન્ટેશનનું કામ

  • દરેક પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ

  • બેન્ક, ઇન્સ્યોરન્સ અને કેપિટલ માર્કેટ એક્ટિવિટી, ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી સહિત નાણાકીય સેક્ટર

  • આંગણવાડી, વીજળી, પાણી, સેનિટેશન, વેસ્ટ મેનેજમેન્ટ, ટેલિકોમ્યુનિકેશ અને ઇન્ટરનેટ કેરિયર તથા પોસ્ટલ સર્વિસ

  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા

  • આઈટી અને ડેટા તથા કોલ સેન્ટર્સ

  • કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ

  • પ્રાઈવેટ સિક્યોરિટી