નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કલ્કિ કેકલાં ટૂંકમાં જ માતા બનવાની છે. તેણે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તે પ્રેગ્નેન્ટ છે. કલ્કિ લાંબા સમયથી બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગને ડેટ કરી રહી છે. જોકે બન્નેએ હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ લગ્ન પહેલા જ માતા બનવા પર કલ્કિ ખૂબ જ ઉત્સાહિત છે. તે પોતાની પ્રેગ્નેન્સી અને આવનારા બાળક વિશે ઘણી વખત મીડિયામાં વાત કરતી જોવા મળી છે.

લગ્ન પહેલા માતા બનવા પર કલ્કિ ઉપર ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે જો કે, કલ્કિ હાલ આ સવાલોને લઈને ગભરાતી નથી. હાલમાં તેણે નિર્ભય થઈને એક જોરદાર જવાબ આપ્યો છે. કલ્કિ કરીના કપૂરના ચેટ શો ‘ઈશ્ક એફ એમ’માં પહોંચી હતી. તે દરમિયાન તેમણે પોતાની જિંદગી સાથે જોડાયેલા દરેક ક્ષણો વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે પોતાની પ્રેગ્નેંસીને લઈને બોયફ્રેન્ડ અને એક્સ પતિ અનુરાગ કશ્યપને લઈને પણ અનેક વાતો કરી હતી.



જ્યારે કરીનાએ તેને પૂછ્યું કે, લગ્ન કર્યા પહેલા તમે માતા બનતા તમારા પર અનેક સવાલો ઉભા થયા હતા, ત્યારે તમે સામનો કેવી રીતે કર્યો? ત્યારે આ સવાલના જવાબમાં કલ્કિએ મઝાકિયા અંદાજમાં જણાવ્યું કે, મારી પાસે એક સુપર પાવર છે કે હું પોતાનો ફોન સ્વિચઓફ કરી નાંખું છું અને ઘણા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર રહું છું. હું મારી પોસ્ટ પર ક્યારેય કોમેન્ટ્સ વાંચતી નથી.

કલ્કિએ જણાવ્યું કે, જ્યારે મને લાગે કે મારે સકારાત્મક ટીકાની જરૂર છે ત્યારે હું મારા નજીકના લોકો પાસેથી લેવાનું પસંદ કરીશ અને હું તેને ગંભીરતી લાઈશ. જેમ કે મારા નજીકના લોકોએ મને જણાવ્યું કે, આ બાળક માટે સારું રહેશે કે તમે બન્ને લગ્ન કરી લો, તો અમે બન્ને જણાં હાલ તેના પર ધ્યાન આપી રહ્યા છીએ અને કામ કરી રહ્યા છીએ. કલ્કિએ વધુમાં જણાવ્યું કે, પ્રેગેન્સીના અહેવાલ સાંભળીને મારો બૉયફ્રેન્ડ સૌથી વધુ ખુશ થઈ ગયો હતો. કલ્કીએ કહ્યું કે, મેં તેને જણાવ્યું ત્યારે તેણે સ્વીકારવા માટે 2થી 3 દિવસનો સમય લીધો, પરંતુ મારા પાર્ટનરને જાણ થઈ પછી તે ખુબ જ ખુશ થયો હતો અને આ બાળક માટે તે તૈયાર થઈ ગયો હતો.



એક્સ પતિને લઈને કલ્કિએ જણાવ્યું કે, તે અને અનુરાગ કશ્યપ સારા મિત્ર છે. કરીનાના સવાલ પર કલ્કિએ જણાવ્યું કે, આપણને ઘણી વખત એવું થાય છે કે તમે કોઈને પ્રેમ કરો છો પરંતુ તેની સાથે રહેવું મુશ્કેલ બની જાય છે. કલ્કિએ ઘણી હદ સુધી ટાઈમિગ્સ અને ઉંમરના અંતરને લઈને તલાક માટે જવાબદાર ઠેરવ્યું હતું. તમને જણાવી દઈએ કે, કલ્કિએ પહેલી વખત કોઈ શોમાં પોતાની ખાનગી જિંદગી સાથે જોડાયેલા સવાલો પર નિર્ભય થઈને સવાલોનો જવાબ આપ્યો છે.