નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને અધ્યક્ષ સૌરવ ગાંગુલીને થોડા દિવસ પહેલા જ ગુવાહાટીના મેદાનમાં ખરાબ વ્યવસ્થાના કારણે લોકોની ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે વધુ એક વખત બીસીસીઆઈ પર ફેન્સ ભડક્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકા વિરુદ્ધ ગુવાહાટીમાં ટી20 મેચ થવાની હતી. જે વરસાદ કારણે રદ થઈ હતી.


વરસાદ બાદ જ્યારે પીચ પરથી કવર હટાવવામાં આવ્યું તો પાણી લીક થઈ રહ્યું હતું. ત્યાર બાદ ગ્રાઉન્ડ સ્ટાફે અલગ-અલગ જુગાડ લગાવ્યા. હેયર ડ્રાયર અને સ્ટીમ આયરનથી પીચ સૂકવવાના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરેલ એક વીડિયોના કારણે એકવાર ફરી બીસીસીઆઈની મુશ્કેલીઓ વધી છે.


સવારે આઠ વાગ્યાની આસપાસ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રાજકોટની પિચનો એક વિડીયો ટ્વિટ કરી હતી જેમાં કેટલીક વૃદ્ધ મહિલાઓ મેચ માટે પિચ તૈયાર કરી રહી છે. ક્લિપમાં જોવા મળે છે કે વૃદ્ધ મહિલાઓ બેસીને બ્રશથી પિચ સાફ કરી રહી છે.

આ વિડીયો જોયા બાદ ભારતીય ક્રિકેટપ્રેમીઓએ પણ બીસીસીઆઈની ટીકા કરી છે. લોકોએ બોર્ડ અને અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર પ્રહારો કર્યા છે. કેટલાક પ્રશંસકે આ ઘટનાને શરમજનક ગણાવી છે. નોંધનીય છે કે અગાઉ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વાનખેડેમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં વિરાટ કોહલીની ટીમને 10 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.