કેવી રીતે બની ઘટના
દુર્ઘટનામાં મધુ (પ્રોડક્શન આસિસ્ટન્ટ), કૃષ્ણા (આસિસ્ટન્ટ ડાયરેકટર) અને ચંદ્રન (આર્ટ આસિસ્ટન્ટ) નામના વ્યક્તિનું મોત થયું છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ચેન્નાઈ નજીક થઈ રહ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ તરત જ કમલ હસન સ્થળ પર પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, એક ક્રૂ સભ્ય 150 ફૂટની ઊંચાઈ પર ક્રેન ઉપર લાઇટ સેટ કરી રહ્યો ત્યારે તે તૂટી જવાથી આ દુર્ઘટના બની હતી. ડાયરેક્ટર શંકર ઘટનાસ્થળની એકદમ નજીક કામ કરતા હતા, પરંતુ હાલ તે સુરક્ષિત છે.
કમલ હાસને શું કહ્યું
દુર્ઘટનાને લઈ ખુદ કમલ હાસને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, મેં અનેક દુર્ઘટના જોઈ છે પરંતુ આજે જે દુર્ઘટના બની તે સૌથી ખતરનાક હતી. મેં મારા ત્રણ સહયોગી ગુમાવી દીધા છે. તેમના પરિવારના સભ્યો પર આવી પડેલું સંકટ મારા દર્દથી અનેક ગણું વધારે છે. આ દુર્ઘટના માટે હું દુઃખ અને સંવેદના વ્યક્ત કરુ છું.
એક્ટ્રેસ કાજલ આગ્રવાલે ટ્વીટ કરીને કહ્યું કે, આ દુખને શબ્દોમાં કહી શકાય તેમ નથી. મારા સાથીઓ કૃષ્ણા, ચંદ્રન મધુનું અચાનક જતા રહેવું ખૂબજ દુખદ છે. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. રકુલ પ્રીતસિંહે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતું.
કમલ હાસન ફિલ્મ ઈન્ડિયન-2માં 90 વર્ષના વ્યક્તિનો રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મ ભ્રષ્ટાચાર પર આધારિત હશે અને તેમાં ભ્રષ્ટાચાર સામેની લડાઇ બતાવાશે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ, વિદ્યુત જામવાલ અને પ્રિયા ભવાની શંકર મુખ્ય રોલમાં છે. ઈન્ડિયન-2 1992માં આવેલી તમિલ બ્લોકબસ્ટર ઈન્ડિયનની સિકવલ છે.