મુંબઈ: મુંબઈ પોલીસ દ્વારા અભિનેત્રી કંગના રનૌત અને તેમની બહેન રંગોલી ચંદેલને પૂછપરછ માટે ફરી એક વખત સમન્સ મોકલવામાં આવ્યું છે. આ પહેલા બાંદ્રા પોલીસે આ મામલે અભિનેત્રી અને તેની બહેનને નિવેદન નોંધાવવા 21 ઓક્ટોબર પહેલા નોટિસ જાહેર કરી હતી.

કંગનાના વકીલે નોટિસનો જવાબ આપ્યો હતો જેમાં કહ્યું હતું કે કંગના હાલ હિમાચલ પ્રદેશમાં છે અને પોતાના પિતરાઈ ભાઈના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. બાંદ્રા પોલીસે આ મામલે પોતાનું નિવેદન નોંધાવવા 10 નવેમ્બરે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે વધુ એક નોટિસ મોકલી છે.

ગયા મહિને બાંદ્રની મેજિસ્ટ્રેટ કોર્ટે મુંબઈ પોલીસને કંગના અને તેની મેનેજર બહેન રંગોલી ચંદેલ સામે સાંપ્રદાયિક ભાવનાઓને ભડકાવવા બદલ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે બીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું છે.

બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે ગત મહિને બોલીવૂડના એક કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફિટનેસ ટ્રેનર મુનવ્વર અલી સૈયદની ફરિયાદ પર પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.