નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ઉપરાંત ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ 4 નવેમ્બરથી ત્રીજી મહિલા ટી20 ચેલેન્જ રમવા મેદાનમાં ઉતરશે. તમામ ટીમો અને ખેલાડીઓ પોતાનો દમ આ લીગમાં બતાવવા તૈયાર છે.


ખાસ વાત છે કે મહિલા ટી20 લીગમાં ચાર મેચ હશે, જેમાં ત્રણ ટીમો હાલની ચેમ્પિયન સુપરનોવા, ગયા વર્ષની ઉપવિજેતા વેલોસિટી અને ટ્રેલબ્લેઝર્સ ભાગ લેશે. આ ત્રણેય ટીમો એકબીજા સામે ટકરાશે. બાદમાં 9મી નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ ભાગ લઇ રહ્યાં છે.

હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ સુપનોવાઝે અત્યાર સુધી ગઇ બન્ને ટૂર્નામેન્ટમાં પોતાની તમામ મેચો જીતી લીધી છે. તે હવે કાલથી પોતાના અભિયાનની શરૂઆત મિતાલી રાજની આગેવાની વાળી વેલોસિટી ટીમ સામે રમીને કરશે, તેમની નજર હવે સતત ત્રીજા ટાઇટલ પર ટકેલી રહેશે.

હરમનપ્રીત ગયા વર્ષે શાનદાર ફોર્મમાં હતી, તેને ત્રણ મેચોમાં બે ફિફ્ટી લગાવી હતી. ફાઇનલમાં તેને 37 બૉલમાં 51 રનોની દમદાર ઇનિંગ રમી હતી. ભારતીય ટી20 કેપ્ટન ફરી એકવાર પોતાના દમદાર ફોર્મમાં આવવાની કોશિશ કરશે.