મુંબઈ: બોલિવૂડમાં સાઉથની ફિલ્મોની રિમેક બનવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. અર્જુન રેડ્ડીની રિમેક ફિલ્મ 'કબીર સિંહે' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.  ત્યારે હવે અર્જુન રેડ્ડીના સ્ટાર વિજય દેવરકોંડાની વધુ એક ફિલ્મ 'ડિયર કોમરેડ' આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે કારણ કે બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહરે રિલીઝ પહેલાં જ આ ફિલ્મની હિન્દી રિમેક બનાવવાની જાહેરાત કરી દીધી છે.

કરણ જોહરે વિજય દેવરકોંડાની આગામી તેલુગુ ફિલ્મ ડિયર કોમરેડના સ્પેશિયલ સ્ક્રિનિંગ પછી ટ્વિટર પર તેના વખાણ કર્યા હતા. કરણે પોસ્ટમાં એક્ટર વિજય અને રશ્મિકા મંદાનાની એક્ટિંગના પણ વખાણ કર્યા હતા.


કરણે આ સાથે જાહેરાત કરી છે કે તેઓ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવા અતિ ઉત્સાહી છે. તેમણે કહ્યું છે કે મને આ જાહેરાત કરતા ભારે ખુશી થઈ રહી છે.


સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્જુન રેડ્ડી સાથે ધમાલ મચાવી દેનાર એક્ટર વિજય દેવરકોંડા સતત ચર્ચામાં છે. દક્ષિણ ભારતમાં વિજયની લોકપ્રિયતા જોઈને ડિયર કોમરેડ 26 જુલાઈના દિવસે તામિલ , તેલુગુ , કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.