મુંબઈઃ હાલ દેશમાં લોકડાઉન લાગુ હોવાથી સેલિબ્રિટી પણ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. આ સ્થિતિમાં અનેક સેલેબ્સ ઘરમાં કામ કરીને વ્યસ્ત રહે છે તો ઘણા નવી નવી ડિશ બનાવે છે. ઉપરાંત અનેક સેલેબ્સ વર્કઆઉટ કરીને તેમની ફિટનેસનો ખ્યાલ રાખે છે.


પરંતુ આ દરમિયાન અભિનેતા કાર્તિક આર્યને લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપી લીધું છે. કોરોના પ્રત્યે લોકો જાગૃત થાય અને આ અંગે જાણકારી આપવા કાર્તિકે એક ચેટ શો બનાવ્યો છે. જેમાં કોરોના વાયરસ સર્વાઈવર્સ અને ફાઈટર્સ બંનેની વાત કરીને કોરોનાના લક્ષણ, તેના બચાવ વગેરેની જાણકારી શેર કરી રહ્યો છે.

કાર્તિકે ડોક્ટર મીમાંસાને કોરોના વાયરસને લઈ ફેલાઈ રહેલા ભ્રમ અને તેની સચ્ચાઈ અંગે વાત કરી હતી. જેની એક શોર્ટ વીડિયો ક્લિપ તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે ડોક્ટરને શાનદાર સવાલ પૂછી રહ્યો છે.

કાર્તિકે તેના મસ્તીભર્યા અંદાજમાં ડોક્ટરને સવાલ પૂછ્યો, કોરોના વાયરસ ગરમ વિસ્તારમાં ખતમ થઈ જાય છે? આ સવાલ પર ડોક્ટરે આ માન્યતા ખોટી હોવાનું જણાવ્યું. જે બાદ કાર્તિકે બીજો પ્રશ્ન પૂછ્યો, શું દારૂથી કોરોના વાયરસ પેટમાં ખતમ થઈ જાય છે? જેને પણ ડોક્ટર મીમાંસાએ એક ભ્રમ ગણાવ્યો. કાર્તિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો કાર્તિકના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે.