નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને કેટરિના કૈફની જોડીને ફિલ્મોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મો સિવાય ઓફ સ્ક્રીન પર પણ બંન્નેની બોન્ડિંગ જોવા મળે છે. કેટરિનાએ સિંગાપોરમાં હિંદુસ્તાન ટાઇમ્સ મિંગ એશિયા લીડરશીપ સમિટમાં ભાગ લીધો હતો જ્યાં તેણે પોતાના કરિયર અને સલમાન સાથેના સંબંધોને લઇને વાત કરી હતી.

કેટરિનાએ કહ્યું કે, સલમાને હંમેશા મારી મદદ કરી છે. તે હંમેશા એક મિત્ર તરીકે મારી સાથે રહ્યો અને સહજ રીતે વર્ષો સુધી મને સપોર્ટ કરે છે. કેટરિનાએ કહ્યું કે, મારી લાઇફમાં એવી અનેક ઘટનાઓ બની જ્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થવુ પડ્યું. એવામાં કાંઇ દેખાઇ રહ્યું નહોતુ  કોઇ કોન્ટેક્સ નહોતો. એવું લાગી રહ્યું હતુ કે બસ જિંદગી કપાઇ રહી છે પરંતુ સલમાન ખાન મારી સાથે હતો. સલમાન ખાન સાથેના સંબંધોને લઇને કૈફે કહ્યું કે, હું હંમેશા એવુ અનુભવુ છું કે મારી અને સલમાન ખાન વચ્ચે સહજ સંબંધ છે અને આ સંબંધ અમારી મિત્રતા છે. સલમાન એવો વ્યક્તિ છે જે પુરી રીતે વિશ્વાસલાયક છે. હું તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરું છું અને મને લાગે છે કે અમારી પાસે આ એક જ કનેક્શન છે.