મુંબઈ: સોની ટીવીનો લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ વિવાદોમાં ઘેરાયો છે. કેબીસીને લઈ વિવાદ એટલી હદે વધી ગયો કે સોશિયલ મીડિયા પર #BoycottKBC ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. જો કે, વિવાદ વધતા સોની ટીવી દ્વારા માફી માંગવામાં આવી હતી.

વાસ્તવમાં કેબીસીમાં છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ સવાલથી 17મી સદીના મરાઠા યોદ્ધાનું અપમાન થયું છે.

આ વિવાદ પર સોની ટીવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “અસાવધાનીના કારણે બુધવારે કેબીસીના એપિસોડ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજનો એક ખોટો સંદર્ભ હતો. અમને તે બદલ પછતાવો છે અને દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા ગઈકાલના એપિસોડ દરમિયાન ખેદ વ્યક્ત કરીએ છીએ.”


આ મામલે મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણાએ પણ સોની ટીવી પાસે માફીની માંગ કરી હતી. નિતેશ રાણાએ કહ્યું હતું કે સોની કેબીસી-10એ ભાષાની દ્રષ્ટિએ અપમાનજક એક રીતે તેમનું (શિવાજી મહારાજ) નામ લઈને તેમનું અપમાન કર્યું છે. તેમણે માફી માંગવી જોઈએ નહીં તો આ કાર્યક્રમને આગળ ચલાવવા માટે કોઈ ‘લાઈફ લાઈન’ નહીં મળે.

આ વિવાદ ત્યારે થયો જ્યારે અમિતાભ બચ્ચને મુગલ શાસક ઔરંગઝેબના સમકાલીનો વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં ચાર વિકલ્પોમાં છત્રપતિ શિવાજીનો ઉલ્લેખ ‘શિવાજી’ તરીકે કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય વિકલ્પ મહારાણા પ્રતાપ, રાણા સાંગા અને મહારાજા રંજીત સિંહ હતા. શિવાજી મહારાજના નામને આ રીતે સંદર્ભ આપવાથી રોષે ભરાયેલા લોકોએ કેબીસીની ટીકા કરી હતી અને માફીની માંગ કરી હતી.