અમદાવાદ: ‘મહા’ વાવાઝોડાને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ‘મહા’ વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ગુજરાત પરથી દૂર થયું છે. ‘મહા’ વાવાઝોડાના સંકટ ટળતાની સાથે જ વરસાદનું સંકટ પણ હવે ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે.

શનિવારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. બે દિવસ વાતાવરણ વાદળછાયું રહ્યા બાદ સામાન્ય થઈ જશે. 15 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની વિધિવત રીતે શરૂઆત થશે. શિયાળાની શરૂઆતના દિવસોમાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીનો પારો નીચે ગગળતો જતો જોવા મળશે.

‘મહા’ વાવાઝોડું ભયંકર વિનાશ નોંતરશે તેવો ભય ટળ્યો છે અને હવે તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ પહેલા અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે આ પહેલા ગુજરાતના અનેક વિસ્તારોનાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.

દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્રણ કલાક સુધી પડેલા ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જ્યારે વલસાડમાં આજે વહેલી સવારે વલસાડમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો ત્યાર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ ઉપરાંત મોડીરાતે દાહોદમાં જોરદાર વરસાદી ઝાપટું ખાબક્યું હતું. જેને લઈને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું.

મહા વાવાઝોડાની અસરને પગલે દિવમાં સતત વરસાદ પડી રહ્યો છે. સાવચેતીને પગલે દિવ દરિયા કાંઠે NDRFની 5 ટીમ તૈનાત કરાઈ છે જ્યારે પ્રશાસન દ્વારા લોકોને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે.