મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહના પિતા કેકે સિંહનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન તેમણે મુંબઈ પોલીસને આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે સંભાવના વ્યક્ત કરી હતી કે સુશાંત સિંહએ ઉદાસીને કારણે આત્મહત્યા કરી હશે. તેમણે એ પણ કહ્યું કે, તેને લઈને કોઈને કોઈ ફરિયાદ નથી. પરંતુ તેમણએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને રિયા ચક્રવર્તી અને તેના પરિવારને મુખ્ય આરોપી બનાવ્યા.


એક ખાનગી ચેનલે મુંબઈ પોલીસને આપેલ નિવેદનના કેટલાક પોઈન્ટ સાર્વજનિક કર્યા છે. ચેનલ અનુસાર, કેકે સિંહે મુંબઈ પોલીસને પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘હું નથી જાણતો કે મારા દીકરાએ આત્મહત્યા શા માટે કરી? તેણે ક્યારેય કોઈપણ પ્રકારના તણાવ કે ડિપ્રેશન વિશે ચર્ચા નથી કરી. મને સુશાંતની મોતને લઈને કોઈ સાથે કોઈ ફરિયાદ નથી, ન તો શંકા છે. મને લાગે છે કે સુશાંતે ઉદાસી અથવા નિરાશાને કારણે આત્મહત્યા કરી હશે.’

મેસેજ દ્વારા વાત કરતા હતા

કેકે સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું, “સુશાંત માર્ચ 2019માં પટના આવ્યો હતો. સુશાંત જ્યારે પટના આવ્યો હતો ત્યારે તે પરેશાન ન હતો. હું તેની સાથે મેસેજ દ્વારા વાત કરતો હતો.” જોકે કહેવાય છે કે, તેમનું નિવેદન મરાઠીમાં લખવામાં આવ્યું અને તેમને હિંદીમાં સમજાવવામાં આવ્યું.