રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તેમજ છેલ્લા બે દિવસથી તો કોરોનાના કેસો 1300ને પાર કરી ગયા છે. હવે અમદાવાદ અને સુરત પછી કોરોનાનું એપી સેન્ટર રાજકોટ બની રહ્યું છે. કારણ કે, અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે અને રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 2100ને પાર થઈ ગયા છે.


રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં ગઈ કાલે એક જ દિવસમાં 32 દર્દીઓનાં મોત થયા હતા. જોકે, અખબારી યાદીમાં રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ એક પણ મોત બતાવાયું નથી. છેલ્લા એક અઠવાડિયાની રાજકોટ જિલ્લાની સમીક્ષા કરીએ તો 27મી ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર દરમિયાન કુલ 828 કેસ નોંધાયા હતા. જેની સામે 481 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. છેલ્લા છ દિવસથી તો જિલ્લામાં કોરોનાના કેસો 100ને પાર થઈ ગયા છે.

ગઈ કાલે 2જી સપ્ટેમ્બરે કોરોનાના 143 કેસ નોંધાયા હતા. જેની સામે 72 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. પહેલી સપ્ટેમ્બરે 125 કેસ નોંધાયા હતા, જેની સામે 121 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આવી જ રીતે 31મી ઓગસ્ટે 118 કેસ નોંધાયા હતા, જેની સામે 92 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 30મી ઓગસ્ટે 119 કેસ નોંધાયા હતા અને 37 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 29મી ઓગસ્ટે 115 કેસ અને 34 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 28મી ઓગસ્ટે 112 કેસ અને 55 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 27મી ઓગસ્ટે 96 કેસ અને 70 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.