નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. જોકે ફિલ્મના પ્રીમિયરથી ખાસ પ્રતિક્રિયાઓ સામે નથી આવી. આ ફિલ્મનો રિવ્યૂ કરનાર બિગ બોસ શોમાં જોવા મળેલ કમાલ આર ખાનનો દાવો છે કે તેણે આ ફિલ્મમાં જોઈ છે અને આ ફિલ્મને લઈને ખૂબ જ નેગેટિવ રિવ્યૂ આપ્યો છે.


કમાલ આર ખાને ‘દબંગ 3’ને એકદમ વાહીયાત ફિલ્મ ગણાવી છે. તેણે રિવ્યૂ આપતા કહ્યું કે, ‘સલમાનની ફિલ્મમાં કોઈ સ્ટોરી હોતી નથી, આ ફિલ્મમાં પણ નથી. જો કે તેની જરૂર પણ નથી, કારણ કે સલમાનના ફેન્સ ફિલ્મ જોવા નહીં પરંતુ સુપરસ્ટારને જોવા માટે જાય છે’.


કેઆરકેએ સોનાક્ષી સિન્હાની એક્ટિંગના કટાક્ષ કરતાં વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, ‘સોનાક્ષી સિન્હા એક સારી અદાકારા છે, તે બધા જાણે છે. તે પોતાની એક્ટિંગથી ભલ-ભલા સારા રોલને બગાડી નાખે છે’.

ફિલ્મ વિશે કેઆરકેએ કહ્યું કે, ‘જો આ ફિલ્મ 1990ના દાયકામાં રિલીઝ થઈ હોત તો જરૂરથી બ્લોકબસ્ટર સાબિત થાત’. ‘દબંગ 3’માં સલમાન ફરી એકવાર ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળશે. આ વખતે તો ફિલ્મની સ્ટોરી પણ તેણે પોતે લખી છે.



‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. તેમણે આ પહેલા સલમાનની ફિલ્મ ‘વોન્ટેડ’ પણ ડાયરેક્ટ કરી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.