મુંબઈ: સિંગર લતા મંગેશકર  છેલ્લા ઘણા દિવસોથી મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. જ્યારથી લતા મંગેશકરની તબિયત ખરાબ છે તેમના ચાહકો અને શુભચિંતક સતત તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.


લતા મંગેશકરની ભત્રીજી રચના શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની તબિયત સારી થઈ રહી છે અને અમે બધાં ખૂબ જ ખુશ છીએ. જ્યારે રચના શાહને પૂછવામાં આવ્યું કે લતા મંગેશકરને રજા ક્યારે આપવામાં આવશે, ત્યારે તેણે જણાવ્યું કે, "તેમને હૉસ્પિટલમાંથી ઘરે લઈ જવું એટલું મહત્વનું નથી જેટલું તેમનું સ્વસ્થ થવું."

ડોક્ટરે કહ્યું કે તેમની સારવાર ચાલુ છે.  તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જો આ રીતે જ તેમની તબિયતમાં સુધાર રહેશે તો તેમને એક-બે અઠવાડિયામાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ડૉક્ટરની વાત માનવામાં આવે તો લતા મંગેશકરને 10 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં રજા આપવામાં આવી શકે છે.

લતા મંગેશકરને 11 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. લતાજીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેમના ચાહકો અને શુભચિંતક સતત તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.