મુંબઈઃ મહારાષ્ટ્ર રાજનીતિના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બપોરે 3-30 કલાકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. જોકે આ પહેલા સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કહેવાય છે કે, દેવેન્દ્ર ફડણવીસ પણ બપોરે 3-30 કલાકે રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.

નોંધનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો સંભળાવ્યો છે કે, 27 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરવો પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ફ્લોર ટેસ્ટમાં કોઈ સિક્રેટ બેલેટ નહીં રાખી શકાય અને સમગ્ર પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનો પણ આદેશ આપ્યો છે. આવતીકાલે નક્કી થઈ જશે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે.

સુપ્રીમ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસ સરકારને 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, ફડણવીસ સરકારને 27 નવેમ્બરે ઓપન બેલેટથી ફ્લોર ટેસ્ટ કરવો પડશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી જ અટકળો હતી કે સરકાર પાસે હવે જોઈએ એટલા નંબર ન હોવાને કારણે અજિત પવાર રાજીનામું આપી શકે છે.