મુંબઇઃ પાકિસ્તાની કલાકારોને કારણે કરણ જોહરની ફિલ્મ ‘યે દિલ હૈ મુશ્કિલ’ના રીલિઝને લઇને વિરોધ તેજ થઇ ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ કહ્યુ હતું કે, તેઓ મુંબઇમાં ફિલ્મ  ‘યે દિલ હૈ મુશ્કિલ’ને રીલિઝ થવા દેશે નહીં. એવામાં કરણ જોહરની આ ફિલ્મના ભવિષ્ય પર સવાલ ઉભો થઇ ગયો છે. ફિલ્મ દિવાળી અગાઉ 28 ઓક્ટોબર પર રીલિઝ થવાની છે.


મનસેએ આ ફિલ્મના વિરોધ પર પોતાના વલણ પર અડગ રહેતા કરણની મુશ્કેલીઓ વધી શકે છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હોવાના કારણે ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કરણ જોહરે તાજેતરમાં જ કહ્યુ હતું કે તેઓ ભવિષ્યમાં પોતાની ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોને લેશે નહીં.

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ બુધવારે પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી અને નિર્ણય કર્યો હતો કે આ ફિલ્મની રીલિઝ અટકાવવામાં આવશે. જો કોઇ મલ્ટીપ્લેક્સ આ ફિલ્મને રીલિઝ કરશે  તો તેના કાચ તોડવામાં આવશે અને તેની સામે વિરોધપ્રદર્શન કરવામાં આવશે.

મનસેએ ધમકી આપી છે કે મુંબઇમાં યોજાનારા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં ક્લાસિક સેક્શનમાં કોઇ પણ પાકિસ્તાની ફિલ્મ નહીં દર્શાવવા દઇએ. મામી ફિલ્મ ફેસ્ટિવલમાં  1958ની પાકિસ્તાની ફિલ્મ જાગો હુઆ સવેરા દર્શાવવામાં આવવાની હતી પરંતુ હવે તેને રજૂ કરવામાં આવશે નહીં.