ડાન્સ પ્લસની સીઝન-5નો યોજાઈ ગ્રાન્ડ ફિનાલે, આ ગરીબ ડાન્સર બન્યો વિનર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Feb 2020 01:02 PM (IST)
ડાન્સ પ્લસનો વિજેતા બનીને રૂપેશ બાને ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. શોના સ્ટેજ પર નામની જાહેરાત કરતાની સાથે જ રૂપેશ ખુશ થઈ ગયો હતો અને શર્ટ કાઢીને નાચવા લાગ્યો
મુંબઈ: શનિવારે રાતે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં ડાન્સ પ્લસની સીઝન-5ના વિનરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. રૂપેશ બાનેને રેમો ડિસૂઝાએ તેના મેન્ટર ધર્મેશ યેલાન્ડે સાથે મળીને ડાન્સ પ્લસની ટ્રોફી આપી હતી. આ સિવાય તેને ઈનામ રૂપે 15 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. ડાન્સ પ્લસનો વિજેતા બનીને રૂપેશ બાને ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. શોના સ્ટેજ પર નામની જાહેરાત કરતાની સાથે જ રૂપેશ ખુશ થઈ ગયો હતો અને શર્ટ કાઢીને નાચવા લાગ્યો હતો. રૂપેશ બાનેએ પોતાની માતા સાથે જીતની ટ્રોફી સ્વીકારી હતી. ગરીબ પરિવારમાંથી આવતાં રૂપેશ બાનેની જીતથી સૌથી વધારે કોઈ ખુશ હોય તો તે છે તેની માતા અને ભાઈ. મુંબઈમાં રહેતા રૂપેશે અહીંયા સુધી પહોંચવા માટે બહુ જ સ્ટ્રગલ કરી છે આ અંગે તે અનેકવાર શોમાં કહી ચૂક્યો છે. ડાન્સ પ્લસ 5 જીત્યા બાદ રૂપેશે મીડિયા સાથે વાત કરી હતી અને આ દરમિયાન શોમાં તેની જર્ની કેવી રહી તે અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે ‘ડાન્સ પ્લસ 5ની જર્ની દરમિયાનની એક-એક ક્ષણ મારા માટે યાદગાર છે. જેને હું જીવનભર યાદ રાખીશ’. આ શોના ફિનાલેમાં બોલિવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. ધર્મેન્દ્ર, મિથુન ચક્રવર્તી, સિંગર ગુરૂ રંધાવા અને બાગી 3ની સ્ટારકાસ્ટ ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર હાજર રહ્યા હતાં. આ તમામ સેલેબ્સે ફિનાલેની રેસમાં સામેલ કન્ટેસ્ટન્ટ્સનો ઉત્સાહ વધાર્યો હતો સાથે જ ખૂબ મસ્તી પણ કરી હતી.