મુંબઈઃ ‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ અને સિંગર નેહા કક્કડ એક ટેલિવિઝ શોના કારણે દુઃખી છે. આ શોમાં નેહાની હાઈટ અને તેના ટેલેન્ટની મજાક ઉડાવાઈ હતી. જાણીતા કોમેડિયન કિકુ શારદા અને ગૌરવ ગેરાએ નેહાની મજાક ઉડાવી હતી. આ બાબતે માત્ર નેહા જ નહીં તેનો ભાઈ ટોની કક્કડ પણ લાલઘૂમ થયો હતો. ટોનીએ ચેનલ અને શોના મેકર્સ સામે બળાપો કાઢ્યો હતો.



કિકુ અને ગૌરવ શોમાં પોતપોતાના પાત્રમાં જોવા મળે છે. જેમાં નીચી હાઈટવાળી છોકરીનો રોલ કરતાં એક એક્ટરને બંને ‘છોટુ’ અને ‘નેહા કંકર’ કહીને સંબોધે છે. ત્યારે તે છોકરી તેમને કહે છે તેનું નામ ‘નેહા શક્કર’ છે. શોમાં નેહાને સતત સેલ્ફી લેતી અને હેશટેગ વાપરતી બતાવવામાં આવી છે. તે કિકુને કહે છે કે તેણે ‘કંઈ પણ’ ગાઈને ઘણા રૂપિયા બનાવ્યા છે. કિકુ અને ગૌરવે કોમેડી કરવાના ચક્કરમાં નેહાની હાઈટની સાથે તેના સિંગિંગ ટેલેન્ટ પણ મજાક ઉડાવી છે.


આ બધું જોઈને નેહા કક્કડને ગુસ્સો આવ્યો હતો અને નેહાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાત પોતાના ફેન્સની સાથે શેર કરી. નેહાનું કહેવું છે કે, તે હંમેશા કોમેડીને ખેલદિલીથી જુએ છે પરંતુ આ વખતે તેના પર કરવામાં આવેલી કોમેન્ટ્સ અસહ્ય હતી. બાદમાં નેહાએ જણાવ્યું કે, તે નકારાત્મકતાને દૂર જ રાખવા માગે છે. તેણે સહકાર આપવા બદલ ફેન્સનો આભાર માન્યો. નેહાએ કહ્યું કે, ગઈકાલે આ બધું જોઈને તેને દુઃખ થયું હતું પણ આજે તે સ્વસ્થ છે.

નેહાના ભાઈ ટોની કક્કડે પણ બહેનની ઠેકડી ઉડાવનારા શોના મેકર્સ અને ચેનલને વખોડી હતી. ટોનીએ કહ્યું કે, તેની બહેને નાના શહેરમાંથી આવી મહેનત કરીને નામ કમાયું છે. નેહાની મજાક ઉડાવાઈ હતી તે વિડીયો શેર કરતાં ટોનીએ લખ્યું કે, તેનું દિલ તૂટી ગયું. તમે અહીં પોસ્ટમાં પણ નેહા અને ટોનીનો ગુસ્સો સ્પષ્ટ પણ દેખાઈ શકે છે.