નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ટી20 ઇન્ટરનેશનલ અને વનડે ઇન્ટરનેશનલ મેચમાં નો બોલનો નિર્ણય મેદાન પર હાજર અમ્પાયર નહીં કરે અને થર્ડ અમ્પાચર એ નિર્ણય કરશે. ગુરુવારે આઈસીસીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ પર ત્રણ ટી20 ઇન્ટરનેશનલ અને એટલા જ વનડે મેચ રમશે. શુક્રવારે હૈદ્રાબાદમાં શરૂ થઈ રહેલ આ સીરીઝમાં ટેકનીક દ્વારા નો-બોલ પર નિર્ણય લેવાનું પરીક્ષણ કરવામાં આવશે.


આઈસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ ટ્રાયલ દરમિયાન થર્ડ અમ્પાયર પ્રત્યેક ફેંકાયેલા બોલ પર નજર રાખશે અને જોશે કે તે બોલરનો ફ્રન્ટ ફૂટ યોગ્ય રીતે પડ્યો છે કે નહીં. જો ફ્રન્ટ ફૂટ નો-બોલ હશે તો થર્ડ અમ્પાયર મેદાન પર હાજર અમ્પાયર સાથે વાતચીત કરશે અને ત્યારબાદ મેદાન પર હાજર અમ્પાયર તેને નો-બોલ જાહેર કરશે. આમ મેદાન પર હાજર અમ્પાયર હવે થર્ડ અમ્પાયરની સલાહ લીધા વગર ફ્રન્ટ ફૂટ નો-બોલ જાહેર કરી શકશે નહીં.

જો નો-બોલ જાહેર કરવામાં મોડું થશે તો મેદાન પર હાજર અમ્પાયર ત્યારે વિકેટ પડી હશે તો તેને રદ્દ કરશે અને નો-બોલ જાહેર કરશે. આ સિવાય મેચના તમામ અન્ય નિર્ણયો હંમેશની જેમ મેદાન પર હાજર અમ્પાયર જ લેશે. ટ્રાયલ દ્વારા જે પરિણામો આવશે તેના પરથી તારણ કાઢવામાં આવશે કે નો-બોલના નિર્ણયો માટે આ પદ્ધતિ લાભદાયક છે કે નહીં તથા રમતની લયમાં વિક્ષેપ ન પડે તે રીતે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે, તેમ આઈસીસીએ જણાવ્યું છે.