મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરની તબિયતમાં નજીવો સુધારો થયો છે.  છેલ્લાં 17 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયેલાં લતા મંગેશકરના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેમની તબિયત અંગે પોસ્ટ મૂકવામાં આવી છે. એડમિટ છે.  કોરોના તથા ન્યુમોનિયાની સારવાર લઈ રહેલાં લતાજીની તબિયતમાં નજીવો સુધારો થયો હોવાની માહિતી આ પોસ્ટમાં આપવામાં આવી છે.


પોસ્ટમાં લખાવામાં આવ્યુ છે, 'લતાદીદીની તબિયતમાં સાધારણ સુધારો થયો છે અને તેઓ હજી પણ ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં છે. દીદીની તબિયત અંગે ખોટી અફવા ના ફેલાવશો. આભાર.'


વોટ્સએપ પર લતા મંગેશકરના મૃત્યના ખોટા સમાચાર વહેતા કરાયા હતા. તેના પગલે લતા મંગેશકર સ્ટુડિયોઝ એન્ડ મ્યુઝિકના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) અને સંગીતકાર મયૂરેશ સતીશ પાઈએ પણ લખ્યું છે કે, લતાદીદીની તબિયતમાં સાધારણ સુધારો થયો છે અને તે હજી પણ ICUમાં છે. તેમની તબિયત અંગે રોજ માહિતી આપવી શક્ય નથી, કારણ કે આ પરિવારની પ્રાઇવસીમાં અતિક્રમણ કરવા જેવું છે. અમે વિનંતી કરીએ છીએ કે,  આ મુદ્દે થોડાં સંવેદનશીલ બનો. મહેરબાની કરીને લતાદીદીની તબિયત અંગેના ખોટા સમાચારો વહેતા ના કરો. તમારા સહકાર બદલ આભાર.


આ પહેલાં 22 જાન્યુઆરીએ લતા મંગેશકરના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મૂકાઈ હતી. એ વખતે લતા મંગેશકરના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ મૂકીને કહેવામાં આવ્યું હતું,  તમામને વિનંતી છે કે ખોટી વાતો ના ફેલાવશો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ.પ્રતીત સમધાનીએ કહ્યું છે કે લતાદીદીની સ્થિતિ પહેલાં કરતાં સારી છે. તેઓ હાલમાં ICUમાં છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ જલ્દીથી ઠીક થઈ જાય અને ઘરે પરત ફરે.'


આ પહેલાં ડૉક્ટર પ્રતીત સમધાનીએ કહ્યું હતું, લતાજી હજી પણ ICUમાં છે, તેઓ જલદી સાજાં થઈ જાય એ માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ. લતાજી ઠીક થઈ જાય એ માટે તમે બધા પ્રાર્થના કરો.'