નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ જયા બચ્ચને ચોમાસુ સત્રના બીજા દિવસે રવિ કિશનનું નામ લીધા વગર કેન્દ્ર સરકારને બોલિવૂડની સુરક્ષા અને સમર્થન કરવાની અપીલ કરી હતી. જ્યાએ રવિ કિશન પર પ્રહાર કરતાં કહ્યું, કેટલાક લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ થૂંકે છે. જયા બચ્ચનના આ નિવેદન પર કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ તેની દીકરી શ્વેતા બચ્ચન નંદાનું નામ પણ લીધું છે.


કંગનાએ ટ્વિટમાં લખ્યું, જયાજી, શું મારી જેમ તમારી દીકરી શ્વેતાને કિશોરાવસ્થામાં ફટકારવામાં, ડ્રગ આપવામાં અને શોષણ કરવામાં આવ્યું હોત તો પણ તમે આમ કહેત. જો અભિષેક સતત ધમકી અને શોષણની વાત કરતા એક દિવસ ફાંસીએ લટકેલો જોવા મળત તો પણ આમ કહેત ? થોડી હમદર્દી અમારા પ્રત્યે પણ બતાવો.



જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું, ગઈકાલે આપણા એક સાંસદ સભ્યએ લોકસભામાં બોલિવૂડ વિરુદ્ધ જે કહ્યું તે શરમજનક છે. હું કોઈનું નામ નથી લઈ રહી. તે ખુદ પણ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. જે થાળીમાં ખાધું તેમાં જ છેદ કરો છે. ખોટી વાત છે. મારે કહેવું પડી રહ્યું છે કે, ઈન્ડસ્ટ્રીને સરકારની સુરક્ષા અને સમર્થનની જરૂર છે.

રવિ કિશને સોમવારે લોકસભામાં કહ્યું હતું કે, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગની લત ઘણી વધારે છે. અનેક લોકોને પકડવામાં આવ્યા છે. એનસીબી સારું કામ કરી રહી છે. હું કેન્દ્ર સરકારને કડક કાર્યવાહી કરવા અને દોષીતોને ઝડપથી પકડી આકરી સજા આપવા અપીલ કરું છું.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ મામલે રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક જેલમાં છે. કંગના રાણાવતે સુશાંત કેસમાં ડ્રગ મામલાને લઈ ખુલાસો કરતા કહ્યું હતું, ઈન્ડસ્ટ્રીમાં 99 ટકા લોકો ડ્રગનો ઉપયોગ કરે છે. રિયાએ એનસીબીની પૂછપરછમાં બોલિવૂડની 25 સેલિબ્રિટીના નામ આપ્યા છે. જેમાં સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહના નામ સામે આવી ચુક્યા છે.