નવી દિલ્હીઃ હાલ લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર સવારે અને રાત્રે 9 કલાકે રામાયણ સીરિયલનું પુનઃ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. લોકો વર્ષો બાદ પણ આ સીરિયલને પસંદ કરી રહ્યા છે. સીરિયલમાં રાવણનું પાત્ર ગુજરાતી એકટ્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું, જ્યારે રાવણની પત્ની મંદોદરીનો રોલ પ્રભા મિશ્રાએ કર્યો હતો.


પ્રભા મિશ્રાએ કહ્યું, મંદોદરીના રોલથી મને એક વિશેષ ઓળખ મળી પરંતુ તેના દ્વારા અધ્યાત્મ તરફ વધારે ખેંચાઈ. રામાયણ પહેલા મે અનેક ફિલ્મો અને સીરિયલોમાં કામ કર્યુ પરંતુ આ પાત્રથી પ્રેરાઈને ગ્લેમર છોડીને આધ્યાત્મનો રસ્તો પસંદ કરવાનું યોગ્ય લાગ્યું.



પ્રભા મિશ્રા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ સાથે છેલ્લા 16 વર્ષથી સંકળાયેલી છે. હવે તે ઓમ શાંતિ સંસ્થાં વરિષ્ઠ બ્રહ્માકુમારી છે. તેણી આ સંગઠનની શ્રેષ્ઠ વક્તા છે. તેમના કાર્યક્રમમાં રાજનીતિના અનેક દિગ્ગજો પણ આવે છે.



તેમણે એક કાર્યક્રમમાં રામાનંદ સાગરના એક કરારનો પણ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું, જે સમયે રામાયણ માટે પસંદગી થઈ હતી ત્યારે રામાનંદ સાગરે તમામ પાત્રોને સાત્વિક જીવન જીવવા માટે એક એગ્રીમેન્ટ કરાવ્યો હતો. પહેલા અમુક કલાકારોને સ્મોકિંગ, નોનવેજ, શરાબ છોડવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી પરંતુ 4 વર્ષ બાદ તમામે આ વસ્તુઓ છોડી દીધી હતી.



હાલ પ્રભા મિશ્રા દેશ-વિદેશમાં અનેક જગ્યાએ લોકોને રાજયોગ અંગે જાગૃત કરી રહી છે. તે લોકોને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તે અંગે જણાવે છે.