મુંબઈ:  તાજેતરમાં પ્રભાસ (પ્રભાસ) ની તેલુગુ ફિલ્મ રાધે શ્યામનું ટીઝર રિલીઝ થયું છે. 52-સેકન્ડના આ ટીઝરમાં ફિલ્મના લીડ કાસ્ટ પ્રભાસ અને પૂજા હેગડેને એક સ્ટેશન પર બંનેની ઝલક બતાવવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે આ એક સીનને શૂટ કરવા માટે 1.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીઝરમાં જે સીન દર્શાવવામાં આવ્યું તે સીન 1.5 કરોડ રૂપિયાથી વધુના ખર્ચમાં શૂટ કરવામાં આવ્યું છે. હવે તમે વિચારી રહ્યો હશો કે, આ  સીનમાં એવું તે શું છે જેને શૂટ કરવાનો ખર્ચ દોઢ કરોડ થયો. ખરેખર આ સીનને શૂટ કરવા માટે ઇટાલી જેવો એક સેટ ભારતમાં તૈયાર કરવો પડ્યો હતો. જેમાં ઘણા પૈસા ખર્ચવા પડ્યા હતા.

આ સીનનું શૂટિંગ પહેલા ઇટાલીમાં થવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્લાન રદ કરવામાં આવ્યો હતો, પરંતુ ફિલ્મની સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે આ સીન ઈટાલીનું જ હતું. એવામાં ભારતમાં જ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. સેટને હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટૂડિયોમાં બનાવામાં આવ્યો હતો જેની સંપૂર્ણ જવાબદારી ડાયરેક્ટર રવિન્દર રેડ્ડીને આપવામાં આવી હતી.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સેટ તૈયાર કરવામાં લગભગ 1 મહિનાનો સમય લાગ્યો હતો. તેના બાદ આ સીન અહીં ભારતમાં શૂટ કરવામાં આવ્યું હતું.

રાધે શ્યામનું ટીઝર 14 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી તેને 81 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યું છે અને ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યું છે. જો કે, ટીઝર હાલમાં તેલુગુમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.