PM નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેવા બોલિવૂડની કઈ-કઈ હસ્તીઓએ પડાપડી કરી? જુઓ આ રહી તસવીરો
abpasmita.in | 20 Oct 2019 09:44 AM (IST)
મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ જગતની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. અભિનેતા આમિર ખાન, શાહરૂખ ખાન સહિત બોલિવુડની કેટલીક દિગ્ગજ હસતીઓ આ ઈવેન્ટમાં સામેલ થઈ
નવી દિલ્હી: મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ જગતની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. અભિનેતા આમિર ખાન, શાહરૂખ ખાન સહિત બોલિવુડની કેટલીક દિગ્ગજ હસતીઓ આ ઈવેન્ટમાં સામેલ થઈ અને ગાંધીજી સાથે જોડાયેલા કાર્યક્રમોને લઈ પોતાના મંતવ્યો આપ્યા હતાં. પીએમ આવાસ 7, લોકકલ્યાણ માર્ગ પર પીએમ નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે, ગાંધીનો વિચાર સાદગીનો પર્યાય છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીનો વિચાર વ્યાપક છે. મીટિંગ દરમિયાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ જગતની હસતીઓ સાથે દાંડીમાં બનેલા ગાંધી મ્યુઝિયમ ફરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમે લોકોને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પણ જવું જોઈએ જ્યાં દેશ અને દુનિયામાંથી લોકો આવી રહ્યા છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ જગતની હસ્તીઓને કહ્યું હતું કે, રચનાત્મકતાની ક્ષમતા ખૂબ વધુ છે અને એ જરૂરી છે કે દેશમાં તેને પ્રોત્સાહન આપવામાં આવે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીના વિચારોને પ્રચારિત કરવા માટે ફિલ્મ અને ટીવી જગતના તમામ કલાકારો શાનદાર કામ કરી રહ્યા છે. ફિલ્મ અભિનેતા આમિર ખાને કહ્યું હતું કે, બાપુના વિચારોને પ્રચારિત કરવા માટે પીએમ મોદીના પ્રયાસોની હું સરાહના કરું છું. ક્રિએટિવ લોકો તરીકે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. હું પીએમ મોદીને વિશ્વાસ અપાવું છું કે અમે આ દિશામાં કંઈ કરવાનો પ્રયાસ કરીશું. એટલું જ નહીં આમિર ખાન અને શાહરૂખ ખાનનો એક વીડિયો પણ પીએમઓ એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. જેમાં બંને અભિનેતા પીએમ મોદીની પહેલના વખાણ કરી રહ્યા છે. આ સિવાય નાન પડદાની દિગ્ગજ હસતી એકતા કપૂર અને એક્ટ્રેસ કંગનાએ પણ વીડિયો દ્વારા પીએમ મોદીની પહેલના વખાણ કર્યાં છે.