આ અંગે હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા તેની વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રવિવાર-સોમવારે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
આ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
હવામાન વિભાગે આગાહી પ્રમાણે, દાદરા નગર હવેલી, દિવ અને દમણમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
નોંધનીય છે કે, શુક્રવારે દાદરા નગર હવેલીમાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં ભારે વરસાદ ખાબક્યો હતો. કપરાડાના કોલવેર, વાલવેરી, કરજૂન, સાહુડા અને આસપાસના વિસ્તારના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો.