નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયાની દુનિયામાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાના 50 મિલિયન એટલે કે 5 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. વિરાટ કોહલી બાદ આવું કરનારી તે બીજી ભારતીય બની ગઈ છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોઅર્સ મેળવનાર તે પ્રથમ ભારતીય મહિલા પણ બની ગઈ છે. જણાવીએ કે, હાલમાં ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 50.2 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે આ જ સપ્તાહની શરૂઆતમાં વિરાટ કોહલીએ આ ઉપલબ્ધી મેળવી હતી.

ઇન્સ્ટાગ્રામ પર ભારતીયની યાદીમાં વિરાટ, પ્રિયંકા બાદ દીપિકા પાદુકોણનો નંબર આવે છે. ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણના અત્યાર સુધીમાં 44.2 મિલિયન ફોલોઅર્સ છે. તેની સાથે જ ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરવાના મામલે પ્રિયંકા ચોપરા 19માં સ્થાન પર છે. તો આ મામલે વિરાટ કોહલી 23માં સ્થાન પર છે.


નોંધનીય છે કે, 2019ની ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં માત્ર પ્રિયંકા ચોપડા જોનસ અને વિરાટ કોહલી જ બે ભારતીય હતા જેમણે આ લિસ્ટમાં સ્થાન બનાવ્યું હતું. આ યાદી પરથી એ ખબર પડે કે પોતાના સ્પોન્સર સ્પોટના માધ્યમથી ઈન્સ્ટાગ્રામ પર કોણ કેટલા રૂપિયાની કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ઈન્સ્ટાગ્રામ પર પ્રતિ પોસ્ટ માટે 2 લાખ 71 હજાર ડોલર ચાર્જ કરે છે. તો વિરાટ કોહલી પોતાના સ્પોન્સર પાસેથી એક પોસ્ટ માટે 1 લાખ 96 હજાર ડોલર લે છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા નેટફ્લિક્સ પર પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ તેની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જણાવીએ કે, માઈક્રોબ્લોગિંગ વેબસાઇટ પર પ્રિયંકા અત્યાર સુધી 25 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.