મુંબઈઃ ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ખુદને આઈસોલેટ કર્યા છે. અસિત કુમાર મોદીએ પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર તેની જાણકારી આપી. મળતી વિગતો મુજબ અસિત મોદીના પત્ની નીલા તેમજ તેના પુત્ર ઈશાંક પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

અસિત મોદી સબ ટીવી પર આવતા લોકપ્રિય શો તરાક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર છે અને તેમણે ટ્વિટર પર જણાવ્યું કે, તેઓને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામને પ્રોટોકોલનું પાલન કરવા આદેશ કર્યો છે.

લોકડાઉન બાદ અનલોક સાથે જુલાઈમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ફરી શૂટિંગ શરૂ કરાયું હતું. અસિત મોદીએ અંગ્રેજી અને હિન્દીમાં ટ્વીટ કરીને પોતાને કોરોના સંક્રમણ થયું હોવાનું જણાવ્યું હતું.


હાલમાં જ સીરિયલમાં કોરોનાને લઈને એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના કારણે આ સીરિયલે ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. યૂઝર્સનું કહેવું હતું કે, શોના મેકર્સ આ કહાની દ્વારા કોરોના જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહેલ લોકોની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક લોકોએ શોના મેકર્સને વિનંતી કરી કે સારી કહાની બતાવો જેથી લોકોને હસવું આવે.