નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન મુંબઇ મેટ્રોને સમર્થન આપીને નિશાન પર આવ્યા છે. લોકોએ તેમના વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પર લોકોએ મુંબઇ મેટ્રોને સમર્થન આપવા પર બચ્ચનની ટીકા કરી હતી. એક રિપોર્ટ અનુસાર કેટલાક લોકોએ અમિતાભ બચ્ચનના ઘર જલસા બહાર પ્રદર્શન શરૂ કરી દીધું છે. વાસ્તવમાં તાજેતરમાં જ અમિતાભ બચ્ચને મુંબઇ મેટ્રોને પ્રદૂષણ રહિત ગણાવતા તેનું સમર્થન કર્યું હતું ત્યારબાદ મુંબઇ મેટ્રોએ તેમનો આભાર માન્યો હતો. જોકે, મુંબઇમાં કાર શેડ બનાવવા માટે આરે કોલોનીમાં કાપવામાં આવી રહેલા ઝાડ માટે મુંબઇ મેટ્રોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકો તેના વિરુદ્ધમાં છે. એવામાં અમિતાભ બચ્ચનનું મુંબઇ મેટ્રોને સમર્થન આપવું લોકોને ઠીક  લાગી રહ્યું નથી.  વાસ્તવમાં બચ્ચને કહ્યુ હતું કે, તેમના મિત્રએ ઇમરજન્સીમાં મેટ્રોની મદદ લીધી. સાથે જ ઝાડ લગાવવાની અપીલ કરી હતી. લોકોનું કહેવું છે કે એક તરફ તમે ઝાડ લગાવવાની વાત કરી રહ્યા છો અને બીજી તરફ તમે મુંબઇ મેટ્રોનો સાથ આપી રહ્યા છો જે ઝાડ કાપી રહ્યા છે. લોકોએ કહ્યું કે, મેટ્રોથી ભલે ટાઇમ બચતો હોય પરંતુ આ ફેફસા માટે ખરાબ છે અને તેના કારણે વૃક્ષની સંખ્યા ઓછી થઇ રહી છે. લોકો અમિતાભના વિરોધમાં અનેક પ્રકારના ટ્વિટ કરી રહ્યા છે.