જયપુરઃ કેટરીના કૈફ તથા વિકી કૌશલનાં લગ્નનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ હોટલમાં કેટરીના કૈફ તથા વિકી કૌશલનાં 9 ડિસેમ્બરે લગ્ન કરવાના છે. કેટરીના કૈફ તથા વિકી કૌશલનાં લગ્ન પહેલાંના સમારોહ એટલે કે પ્રી વેડિંગ સેલિબ્રેશન મંગળવાર ને 7 ડિસેમ્બરથી શરૂ થઈ ગયાછે. સંગીત સેરેમનીથી સેલિબ્રેશનની શરૂઆત થશે.


કેટરીના કૈફ તથા વિકી કૌશલનાં લગ્નમાં કેટરીનાનો ભૂતપૂર્વ પ્રેમી હાજર રહેશે કે નહીં એ નક્કી નથી પણ કેટરીનાના લગ્નમાં સલમાનની નજીકની વ્યક્તિને ખાસ જવાબદારી સોંપી છે. આ લગ્ન માટે સીક્યોરિટીની વ્યવસ્થા સલમાન ખાનના બૉડીગાર્ડ શેરાને અપાઈ છે.


શેરાની સિક્યોરિટી કંપની ટાઇગર સિક્યોરિટી સર્વિસ કેટરીના કૈફ તથા વિકી કૌશલનાં લગ્નની સુરક્ષાની વ્યવસ્થા જોશે અને તેમને તમામ જવાબદારી સોંપાઈ છે. કેટરીના કૈફ તથા વિકી કૌશલનાં લગ્ન થવાનાં છે એ કિલ્લાની દિવાલ પર શેરાના બાઉન્સર્સ અત્યારથી ગોઠવાઈ ગયા છે. હાલમાં શેરાની કંપનીના 100 બાઉન્સર્સ સુરક્ષામાં તૈનાત છે. આ તમામને બરવાડાની મીણા ધર્મશાળામાં સ્ટે આપવામાં આવ્યો છે.


કેટરીના કૈફ તથા વિકી કૌશલનાં લગ્નમાં સ્થાનિક પોલીસના  10 અધિકારીઓ પણ ખડે પગે સુરક્ષામાં હાજર રહેશે. આ ઉપરાંત બીજા પોલીસ જવાનો પણ હાજર રહેશે.  સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં 3 દિવસના વેડિંગ ફંક્શનમાં પોલીસના જવાનો શેરાની કંપનીની પ્રાઇવેટ સિક્યોરિટી સાથે મળીને કામ કરશે.


આ લગ્ન માટે બહુ પહેલાંથી ફોર્ટનો એક કિમી સુધીનો વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે. વેડિંગમાં ચાહકો હોટલના કર્મચારી બનીને આવી શકે છે તેવી આશંકા પોલીસને છે અને તેથી જ લગ્નમાં કોઈ અડચણ ના આવે તેનું ધ્યાન પોલીસ રાખી રહી છે. સુરક્ષા એજન્સી હોટલના કર્મચારીઓ પર પણ નજર રાખી રહી છે જેથી કેટરીના કૈફ તથા વિકી કૌશલ તેમજ હાજર રહેનાર મહેમાનોની પ્રાઈવસીનો ભંગ ના થાય.


કેટરીના કૈફ તથા વિકી કૌશલનાં લગ્નમાં ફોટોગ્રાફી કરવા બહારથી ડ્રોનના ઉપયોગ ના થાય તેની પણ સાવચેતી રખાઈ છે. લગ્ન દરમિયાન કોઈએ ડ્રોન ચલાવ્યું તો તેને તોડી પાડવામાં આવશે.