નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં હવે ઇન્ટરનેશનલ સ્ટારની એન્ટ્રી થઈ ગઈ છે. ખેડૂત આંદોલનને લઈને હોલિવૂડ સ્ટાર રિહાનાએ ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઈને બે ફેબ્રુઆરીના રોજ રાત્રે એક ટ્વીટ કર્યું હતું. રિહાનાએ એક રિપોર્ટની લિંક શેર કરતાં આંદોલન દરમિયાન ઇન્ટરનેટ સેવા રોકવા પર સવાલ ઉઠાવ્યા છે.


રિહાનાએ આ મુદ્દે ટ્વીટ કરતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. પોતાના આ ટ્વીટ બાદ રિહાના ભારતમાં ટોપ ટ્વીટર ટ્રેન્ડ બની ગઈ છે. કોઈ તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવે છે તો કોઈ રિહાનાના વખાણ કરી રહ્યા છે. અનેક મોટા ભારતીય સ્ટાર પણ રિહાનાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાકે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે, તેમાં દખલ ન દેવી જોઈએ.


જોકે આ મામલે ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે રિહાને ટ્વીટમાં જવાબ આપતા કહ્યું કે, તે ઇચ્છે તો તેની સાથે ખેડૂતો આંદોલન મુદ્દે ઇન્ટરવ્યૂ આપી શકે છે. મોન્ટી પાનસરે કહ્યું કે, મારા શો ‘ધ ફુલ મોન્ટી’માં આ શનિવારે ખેડૂતો આંદોલન મુદ્દે તમારો (રિહાના)નો ઇન્ટરવ્યૂ લેવો એ મારા માટે ગર્વની વાત હશે.


જોકે મોન્ટીના આ ટ્વીટને રિહાનાએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. આ સાથે જ મોન્ટીનું આ ટ્વીટ ચર્ચાનો વિષય બની ગયું છે.

નોંધનીય છે કે, રિહાનાના ખેડૂત આંદોલન ટ્વીટ મુદ્દે ભારતીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાએ જવાબ આપ્યો હતો. ભારતીય ક્રિકેટ પ્રજ્ઞાન ઓઝાએ પણ રિહાનાને પોતાના કામથી કામ રાખવાની સલાહ આપી છે. તેણે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમને અમારા આંતરિક મુદ્દાઓમાં કોઈ બહારની વ્યક્તિની દખલગીરીની જરૂરત નથી.

પ્રજ્ઞાન ઓઝાએ ટ્વીટ કર્યું, “મારો દેશ ખેડૂતો પર ગર્વ કરે છે અને જાણે છે કે તે કેટલા મહત્ત્વપૂર્ણ છે, મને વિશ્વાસ છે કે ટૂંકમાં જ આ મામલે સમાધાન નીકળી જશે. અમને અમારા આંતરિક મુદ્દાઓ પર કોઈ બહારની વ્યક્તિની દખલગીરીની જરૂરત નથી.”