નવી દિલ્હીઃ મોટાભાગની બોલિવૂડ હસ્તિઓએ મંગળવારે પોતાના ફેન્સને દુર્ગા પૂજા અને દશેરાની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા ઋષિ કપૂરે અલગ અંદાજમાં તહેવારની શુભેચ્છા પાઠવવાના ચક્કરમાં શસ્ત્ર પૂજાને એક નવો વળાંક આપ્યો. તેમણે દશેરા પર ‘શસ્ત્ર પૂજા’ તરીકે બોટલ ઓપનરની પૂજા કરી હતી. દશેરાના દિવસે હથિયારોની સફાઈ અને પૂજા કરવામાં આવે છે.

ઋષિ કપુરે પોતે કરેલી ‘શસ્ત્ર પૂજા’ની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી. દશેરાએ લોકો પોતાના શસ્ત્રોની પૂજા કરતા હોય છે. ત્યારે ઋષિ કપુરે બોટલ ઓપનરની કરેલી પૂજાથી લોકો ગુસ્સે ભરાયા અને તેમને ખૂબ ટ્રોલ કર્યા.


ઋષિ કપુરે ‘સિંદુર’ અને ‘ચંદન તિલક’ સાથે એક બોટલ ઓપનરની તસવીર ટ્વિટ કરી અને લખ્યું કે, ‘હેપ્પી દશેરા! તહેવારોની સીઝન શરૂ થાય છે. હથિયારોનો ઉપયોગ જવાબદારી પૂર્વક કરો.’






ઉલ્લેખનીય છે કે, ઋષિ કપુર તાજેતરમાં જ પત્ની નીતુ સાથે ઈટાલી રજાઓ માણવા ગયા હતા અને ત્યાંની કેટલીક તસવીરો શેર કરી હતી. ઋષિ અમેરિકામાં 11 મહિના રહીને હાલમાં જ ભારત પાછા આવ્યા છે. તે અમેરિકા કેન્સરની સારવાર માટે ગયા હતા.