બોલીવુડનો આ સુપરસ્ટાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 25 હજાર કામદારોને કરશે મદદ, ખાતામાં સીધા રોકડા રૂપિયા કરાવશે જમા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Apr 2020 09:53 AM (IST)
સલમાન ખાને ઈન્ડસ્ટ્રીના 25 હજાર દૈનિક વેતન કામદારોને આર્થિક મદદ કરવાની ખાતરી આપી છે.
મુંબઈઃ કોરોનાવાયરસને કારણે દેશમાં લોકડાઉન થઈ ગયું છે. અને તેની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ પડી છે. હાલમાં શૂટિંગ બંધ થતાં ફિલ્મ ઉદ્યોગમાં રોજમદાર તરીકે કામ કરતા કામદારોની હાલત બગડી ગઈ છે. આ સંજોગોમાં સલમાન ખાને ફિલ્મ ઉદ્યોગના રોજમદાર કામદારોને રોકડ આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પ્લોઇઝ (એફડબ્લ્યુઆઈસી)ને જાહેરાત કરી છે કે, સલમાન ખાને ઈન્ડસ્ટ્રીના 25 હજાર દૈનિક વેતન કામદારોને આર્થિક મદદ કરવાની ખાતરી આપી છે. એફડબ્લ્યુઆઈસીના પ્રમુખ બી.એન. તિવારીએ કહ્યું કે, સલમાન ખાને પોતાની એનજીઓ બીઇંગ હ્યુમન મારફતે કામદારોને મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સલમાન ખાને ત્રણ દિવસ પહેલાં અમને બોલાવ્યા હતા. અમારી સાથે 5 લાખ કામદાર છે અને તેમાંથી 25000 લોકોને આર્થિક મદદની ખૂબ જ જરૂર છે. બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને કહ્યું કે, તેઓ આ બધા કામદારોની સંભાળ લેશે. તેઓએ આ 25000 કામદારોની ખાતાની વિગતો માંગી છે અને પૈસા સીધે-સીધા કામદારોના ખાતામાં જમા કરાવશે. તિવારીએ વધુમાં કહ્યું કે, આ કામદારો સિવાય અમારી સાથે પોણા પાંચ લાખ કામદાર બીજા છે, જેને અમે મદદ કરી રહ્યા છીએ. આ લોકો એક મહિના સુધી પોતાનું કામ ચલાવી શકે છે. અમે તેમના માટે રાશન એકઠું કર્યું છે પણ રાશન લેવા માટે કામદારો અહીં આવી શકતા નથી. અમે તેમનાં ઘર પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.