મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘દબંગ 3’ રિલીઝ પહેલા વિવાદોમાં સપડાઈ છે. હિંદુ જનજાગૃતિ સમિતિએ ફિલ્મના ટાઈટલ સોન્ગ ‘હુડ હુડ દબંગ’ને લઇને વાંધો ઉઠાવ્યો છે. ગીતમાં હિંદુઓની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.


હિંદુ જનજાગૃતિ સમિતિએ કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા સર્ટિફિકેટ આપવું નહોતું જોઈએ. હિંદુ જનજાગૃતિ સમિતિના મહારાષ્ટ્ર અને ઝારખંડના આયોજક સુનીલ ધંવાતે કહ્યું કે, ફિલ્મ દબંગના ગીતમાં ઋષીઓને સલમાન ખાન સાથે આપત્તિજનક રીતે ડાન્સ કરતા દર્શાવવામાં આવ્યા છે. જેનાથી હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. સલમાને જે રીતે ઋષીઓને નીચા દેખાડ્યા છે, શું તે મુલ્લા-મૌલવી કે ફાધર-બિશપને આ રીતે નાચતા દર્શાવવાની હિંમત કરશે ?


ઉલ્લેખનીય છે કે, આ ગીતમાં સલમાન નદી કિનારે ઋષીઓ સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. આ સિવાય તે ત્રણ લોકોના આશીર્વાદ પણ લે છે. જેમણે ભ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનો પહેરવેશ પહેરેલો હતો.

દબંગ 3 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા, સઇ માંજરેકર અને કિચ્ચા સુદીપ પણ નજર આવશે.