મુંબઈઃ સમીરા રેડ્ડીએ બે મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો. સમીરાએ માતા બન્યાના 2 મહિનામાં જ એક ચોંકાવનારું કામ કર્યું છે. સમીરા પોતાની દીકરીની સાથે કર્ણાટકના સૌથી ઊંચા શિખર પર પહોંચી છે. સમીરાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આપી.

વીડિયો શેર કરતાં સમીરાએ લખ્યું, “નાયરા સાથે Mullayanagiri શિખર પર ચડવાનો પ્રયાસ કર્યો હતો. શિખર સુધી પહોંચવાના રસ્તે વચ્ચે અટકી ગઈ હતી કારણકે મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 6300 ફૂટ ઊંચાઈએ આવેલું કર્ણાટકનું સૌથી ઊંચું શિખર છે.”


સમીરાએ આગળ લખ્યું, “ઘણી નવી મમ્મીઓના મેસેજ આવી રહ્યા છે તેમને ટ્રાવેલિંગ માટે પ્રેરણા મળી રહી છે. હું રોમાંચિત છું. મારી ટ્રાવેલ સ્ટોરીઝને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. બાળકના જન્મ બાદ થાક અનુભવવો સ્વાભાવિક છે પરંતુ મેં નક્કી કર્યું હું થાક વર્તાવવા નહીં દઉં. હું મારી દીકરીનું પૂરતું ધ્યાન રાખી રહી છું. જ્યારે પણ તેને ભૂખ લાગે ખવડાવું છું.” સોશિયલ મીડિયા પર સમીરાનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.


જણાવી દઈએ કે, સમીરા રેડ્ડીએ 12 જુલાઈએ દીકરીને જન્મ આપ્યો હતો. સમીરાનો એક દીકરો છે. સમીરા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. તે બાળકોની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. હાલ તો સમીરા ફિલ્મોથી દૂર પરિવાર સાથે સમય વિતાવી રહી છે.