સાઉદી અરબે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે કાશ્મીરમાં ભારતની કાર્યવાહીને સમજી શકે છે. સાઉદી અરબ તરફથી આ નિવેદન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની બે કલાક ચાલેલી મિટિંગ પછી આવ્યું છે. આ મિટિંગ બુધવારે રિયાદમાં થઈ હતી.
આ મુલાકાત એવા સમયે કરવામાં આવી જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે સાઉદી અરબના સમર્થન માટે પ્રયત્ન કરી રહ્યુ છે. અને સાઉદી સમક્ષ અનેક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે. અજીત ડોભાલે ક્રાઉન પ્રિંસ બાદ સાઉદી અરબના એનએસએ મુસૈદ અલ એબાન સાથે પણ મુલાકાત કરી હતી.
આ બેઠકમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન દુનિયાના દેશો પાસે કાશ્મીર મુદ્દે મદદ માગી રહ્યુ છે. પરંતુ દુનિયાના કોઈપણ દેશ પાકિસ્તાનને મદદ કરવા માટે તૈયાર નથી.
સૂત્રોના મતે અજિત ડોભાલની સાઉદી અરબ યાત્રા ઘણી મહત્વપૂર્ણ છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અજિત ડોભાલે સાઉદી અરબ સાથે સંબંધોને વધારે ઘનિષ્ઠ કર્યા છે.