Saran Raj Passes Away: દિગ્દર્શક વેત્રિમારનના સહાયક દિગ્દર્શક અને સહાયક અભિનેતા સરન રાજનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. અભિનેતાનું કેકે નગરમાં કાર અકસ્માતમાં મોત થયું હતું. અહેવાલો અનુસાર, સહાયક અભિનેતા પલાનીયપ્પને દારૂના નશામાં કારથી સરન રાજની બાઇકને ટક્કર મારી હતી અને તેના કારણે સરન રાજ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી તરફ સરન રાજના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સરન રાજે ઘણી ફિલ્મોમાં કામ કર્યું
વેત્રીમારન દેશના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. અને સ્વર્ગસ્થ સરન રાજ તેમની જાણીતી ફિલ્મ વડા ચેન્નઈમાં તેમના સહાયક દિગ્દર્શકોમાંના એક હતા. તેમણે વડા ચેન્નાઈ અને અસુરનમાં સપોર્ટિંગ રોલ પણ કર્યો હતો. સરન રાજ મદુરવોયલમા ધનલક્ષ્મી સ્ટ્રીટમાં રહેતા હતા. રાત્રે 11.30 કલાકે તેઓ કેકે નગરના આરકોટ રોડ પર બાઇક ચલાવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. TOIના રિપોર્ટ અનુસાર, સરન રાજે હેલ્મેટ પહેર્યું ન હતું. અકસ્માતમાં તેમને માથામાં ઈજા થઈ હતી. લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓ સરન રાજને સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપી અભિનેતાની ધરપકડ કરી
તપાસમાં જાણવા મળ્યું કે સાલીગ્રામમના પલાનીયપ્પનને અકસ્માત સર્જ્યો હતો. તે સપોટિંગ એક્ટર પણ છે. કાર ચલાવતી વખતે પલાનીયપ્પન નશાની હાલતમાં હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, સરન રાજના નિધનથી તેનો પરિવાર, ચાહકો અને મિત્રો આઘાતમાં છે.
પંચતત્વમાં વિલીન થયા સુલોચના લાટકર
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી સુલોચના લાટકરે 4 જૂને અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે એટલે કે 5 જૂનની સાંજે તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સુલોચના લાટકરના અંતિમ સંસ્કાર દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં લગભગ 5.30 વાગ્યે થયા હતા. આ દરમિયાન તેમને તિરંગામાં લપેટીને સંપૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું.
સુલોચના લાટકર લાંબા સમયથી બીમાર હતા. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 જૂને તેમનું મોત થયું હતું. અભિનેત્રીએ 94 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા અને આજે સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુલોચના લાટકરના અંતિમ દર્શન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, સચિન પિલગાંવકર અને રાજ ઠાકરે સહિત અન્ય ઘણી હસ્તીઓ તેમના ઘરે પહોંચી હતી.