Satish Kaushik Death: તેમની સ્ટાઈલ એવી હતી કે રડનાર વ્યક્તિ પણ ખડખડાટ હસી પડતી હતી, પરંતુ હવે તે પોતાના તમામ પ્રિયજનોને રડતા છોડીને જતાં રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકની જેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. આવો જાણીએ મુંબઈની હોળી પાર્ટીથી લઈને દિલ્હીની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સુધીના સિનેમાના 'કેલેન્ડર' સાથે શું થયું?


આ રીતે મૃત્યુની માહિતી મળી


સતીશ કૌશિકના નિધનની જાણકારી તેમના નજીકના મિત્ર અનુપમ ખેરે ટ્વીટ કરીને આપી હતી. તેમણે લખ્યું, 'હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે! પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ! ઓમ શાંતિ!' જણાવી દઈએ કે સતીશ કૌશિક 66 વર્ષના હતા.






જાવેદ અખ્તરની પાર્ટીમાં હાજરી આપી હતી


કહેવામાં આવી રહ્યું છે કે હોળીને ધ્યાનમાં રાખીને જાવેદ અખ્તર અને શબાના આઝમીએ મુંબઈમાં એક પાર્ટી રાખી હતી, જેમાં સતીશ કૌશિક પણ સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર તેમની છેલ્લી પોસ્ટ પણ આ પાર્ટી સાથે સંબંધિત હતી. આ હોળી પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સતીશ એકદમ ફિટ દેખાઈ રહ્યા છે.


હોળીની ઉજવણી માટે દિલ્હી આવ્યા હતા


જાણકારોએ જણાવ્યું કે જાવેદ અખ્તરની પાર્ટીનો આનંદ માણ્યા બાદ સતીશ પોતાના પરિવારના સભ્યો સાથે હોળી રમવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હી પહોંચ્યા પછી, તેમણે એક બિઝનેસમેનના ઘરે આયોજિત હોળી પાર્ટીમાં હાજરી આપી અને બિજવાસનના ફાર્મહાઉસમાં રાત રોકાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે લગભગ 11:30 વાગ્યે તેમની તબિયત બગડવા લાગી હતી. આ પછી તેમને દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સતીશનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે અભિનેતાને હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલા જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.


પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે


સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ દિલ્હીના હરિનગર સ્થિત દીન દયાલ હોસ્પિટલમાં થયું હતું. રિપોર્ટ અનુસાર અભિનેતાના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની પુષ્ટિ થઈ હતી.


મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા


ગત મોડી સાંજે સતીશ કૌશિકનો મૃતદેહ મુંબઈ પહોંચ્યો હતો. તે પહેલા તેમના ઘરે તેમના તમામ ચાહકોનો ધસારો હતો. અભિનેતાના અંતિમ સંસ્કાર વર્સોવાના સ્મશાન ભૂમિમાં રાત્રે લગભગ 8:30 વાગ્યે કરવામાં આવ્યા હતા, જેમાં અનુપમ ખેર ખૂબ જ રડવા લાગ્યા હતા.


અશ્રુભીની આંખો સાથે વિદાય આપી


સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી દરેક જણ દુઃખી છે. તમામ સેલેબ્સની સાથે સામાન્ય લોકો પણ તેમના ઘરે પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. સિનેમા જગતના દિગ્ગજ કલાકારોએ તેમને ભીની આંખો સાથે વિદાય આપી. અનિલ કપૂરે કહ્યું કે તેણે તેનો નાનો ભાઈ ગુમાવ્યો. તેણે સતીશ કૌશિકનો જૂનો ફોટો પણ શેર કર્યો છે.