મુંબઈઃ નીતૂ કપૂર અને રણબીર કપૂરના ઘરે દિવંગત દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરને લઈ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે આ પ્રાર્થના સભામાં ઘરના લોકો જ સામેલ થયા હતા. આ દરમિયાન નીતૂ કપૂર અને રણબીર કપૂરની એક તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે, જેમાં બંને ઋષિ કપૂરની તસવીર પાસે તેમની યાદમાં બેઠેલા જોઈ શકાય છે.


તસવીરમાં રણબીર પાઘડી અને કુર્તા પહેરેલો જોઈ શકાય છે. જ્યારે નીતૂ પણ ઋષિ કપૂરની યાદમાં ખોવાયેલી હોય તેમ લાગે છે. ઋષિ કપૂરનું 30 એપ્રિલે મુંબઈની સર એચએન રિલાયન્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું અને તે જ દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર હાજર રહી શકી નહોતી. દિલ્હીમાં રહેતી રિદ્ધિમા શનિવારે રાતે રોડમાર્ગે મુંબઈ આવી પહોંચી હતી.



ચિન્ટુના હુલામણા નામે જાણીતા ઋષિ કપૂરના નિધન બાદ પ્રથમ વખત તેની પત્ની નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તેને શ્રદ્ધાંજલિ આપી હતી. નીતૂએ ખૂબ જ ઓછા શબ્દોમાં તેના દિલની હાલત રજૂ કરીને તમામને ઈમોશનલ કરી દીધા હતા.

નીતૂ કપૂરે ઋષિ કપૂરની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, "આપણી કહાનીનો અંત." આ સાથે નીતૂ કપૂરે દિલની ઈમોજી પણ શેર કરી છે. નીતૂની આ પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ તેને સાંત્વના આપી રહ્યા છે અને ઋષિ કપૂરની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.