મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં નવી સોનુની એન્ટ્રી થઈ ત્યારથી તે બહુ જ ફેમસ થઈ ગઈ છે. જૂની સોનુને ભૂલીને ચાહકોએ નવી સોનુને આવકારો આપ્યો અને તેની એક્ટિંગ પસંદ કરી રહ્યા છે. હાલમાં સોનુને લઈ તારક મહેતા ચર્ચામાં આવી છે. સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આમ તો હમેશાં મસ્તી કરતી જોવા મળે છે પરંતુ હવે સોનુની મજા બગડી ગઈ છે અને એના કારણે તેનું એક સપનું પૂરું નહીં થાય.


આ સીરિયલમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન સોનુ માટે આખી ગોકુલધામ સોસાયટી ચિંતિત છે. કારણ કે, શોમાં બતાવવામાં આવ્યું છે કે, વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર ટપુસેનાની કોલેજમાં આવવાના છે. સોનુ વરૂણ ધવનની ખુબ મોટી ફેન છે અને તેને વરુણ ધવનની સામે પર્ફોમ કરવાની તક મળી છે. જેના માટે ટપુ સેના ક્લબ હાઉસમાં ડાન્સ રિહર્સલ માટે પ્રેક્ટિસ કરી રહી છે પરંતુ તે દરમિયાન સોનુને ઈજા થાય છે જેના કારણે તેના પગની ઘૂંટી વળી જાય છે.

મહત્વની વાત એ છે કે, હવે સોનુ વરૂણ સામે પર્ફોર્મ કરી શકશે કે નહીં. આ ઘટના અંગે વાત કરતાં સોનુએ જણાવ્યું હતું કે, આ ઘટના મને રિયલ લાઈફની યાદ અપાવે છે. આવી જ રીતે હું એક સમયે મારા સ્કૂલ ફંક્શનમાં ડાન્સ કરવા માટે ઉત્સાહિત હતી અને તેની પ્રેક્ટિસ કરી રહી હતી, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ હું પર્ફોમન્સના દિવસે જ પડી ગઈ હતી જેથી હું પર્ફોર્મ કરી શકી નહોતી.