પેશાવરઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાંનું પાકિસ્તાનના પેશાવરમાં નિધન થયું છે. પાકિસ્તાની મીડિયાએ પરિવારને ટાંકીને મંગળવારે આ જાણકારી આપી છે. નૂરજહાંના નાના ભાઈ મંસૂર અહમદે જિઓ ન્યૂઝને પોતાની બહેનના નિધનની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, તે છેલ્લાં ઘણાં સમયથી કેન્સરનો સામનો કરી રહી હતી.

નૂરજહાં પેશાવરના કિસ્સા ખ્વાની બજારની પાસે મોહલ્લા શાહ વલી કતાલ વિસ્તારમાં રહેતી હતી. શહેર પરિષદના પૂર્વ સભ્ય અને નૂરજહાંના પડોશી મિયાં જુલ્ફિકારે પણ તેના નિધનની પુષ્ટિ કરી છે. તેમની ઉંમર વિશે કોઈ જાણકારી મળી નથી.

નૂરજહાં જિલ્લા અને શહેર કાઉન્સિલર પણ રહી ચૂકી છે. તેણે 2018ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી જોકે બાદમાં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. રિપોર્ટ અનુસાર તે શાહરૂખ ખાનના  ઘરે બે વખત આવી ગઈ છે અને સરહદ પાર પોતાના સંબંધીઓના સંપર્કમાં રહેતી હતી. બાળપણમાં શાહરૂખ પણ પોતાના માતા પિતાની સાથે બે વખત પેશાવરમાં પોતાના સંબંધીઓના ઘરે ગયા હતા.