મુંબઈ: બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. તેની પોતાની ઈન્ટીરિયર ડિઝાઈનિંગની કંપની છે, જેના ક્લાયન્ટ મોટા-મોટા સેલેબ્સ છે. આ લિસ્ટમાં હવે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું નામ પણ જોડાઈ ગયું છે. ગૌરી ખાને અંબાણીના ઘર એન્ટીલિયાને ડિઝાઈન કર્યું છે અને તેનો આ અનુભવ ખાસ રહ્યો હતો.

ગૌરી ખાને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી આ વિશે જાણકારી આપી છે. આ ફોટોમાં ગૌરી અને નીતા અંબાણી જોવા મળ્યાં હતાં. જેમાં નીતા અંબાણી લેસ ટોપ અને ડેનિમ્સ સાથે તો ગૌરી પોલકા ડ્રેસમાં જોવા મળી હતી.

ગૌરીએ તસવીર શેર કરી લખ્યું છે કે, એન્ટીલિયાની આ જગ્યા પર કામ કરવાનો અનુભવ ખાસ રહ્યો હતો. આ અમારા ટોપ પ્રોજેક્ટમાંથી એક હતો. ડિઝાઈનિંગમાં નીતા અંબાણીનો રસ અને નોલેજની સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. આ સાથે તેણે પોતાની કંપની ગૌરી ખાન ડિઝાઈન્સ, એન્ટીલિયા, બાર લાઉન્ઝ જેવા હૈશટેગ લગાવ્યા હતાં.

અંબાણી પરિવારનું ઘર એન્ટીલિયા ખૂબ જ ફેમસ છે. આ ભારતનું પહેલુ અને દુનિયાનું સૌથી બીજા નંબરનું મોંઘુ ઘર છે. એન્ટીલિયા સાઉથ મુંબઈમાં આવેલું છે, જેમાં મુકેશ અંબાણી પોતાના પૂરા પરિવાર સાથે રહે છે. આ ઘરમાં ગૌરીએ હવે બાર ડિઝાઈન કર્યું છે. ઈન્ટીરિયર ડિઝાઈનિંગ ઈન્ડસ્ટ્રીમાં ગૌરીનું મોટુ નામ છે. તે જેકલીન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર તેમજ રણબીર કપૂર સહિતના સેલેબ્સ સાથે કામ કરી ચૂકી છે.