Shah Rukh Khan News: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ઘણીવાર ઘણા ચાહકો પોતાના સુપરસ્ટારને મળવા માટે તમામ હદ વટાવી દે છે. આવો જ એક કિસ્સો બુધવારે પણ સામે આવ્યો હતો. કિંગ ખાનના ચાહકોએ બુધવારે રાત્રે હદ વટાવી દીધી હતી અને બાંદ્રા સ્થિત અભિનેતાના બંગલા મન્નતમાં ઘૂસવાની હિંમત કરી હતી. જોકે, શાહરૂખના ઘરમાં બંને યુવકોને ફરતા જોઈને સિક્યુરિટી ગાર્ડે તેમને પકડી લીધા હતા. આ પછી મન્નતના ઘરના મેનેજરે ગુરુવારે બંને ચાહકોને બાંદ્રા પોલીસને સોંપી દીધા છે.


બંને આરોપીઓ ગુજરાતના છે


બીજી તરફ બાંદ્રા પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા બંને યુવકોની ઉંમર 19થી 20 વર્ષની છે. શાહરૂખ ખાનના બંગલામાં પ્રવેશ્યા બાદ ત્યાં ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે બંનેને પકડી લીધા હતા.પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ ગુજરાતથી આવ્યા છે અને શાહરૂખને મળવા માગે છે. હાલમાં પોલીસે બંને સામે પરવાનગી વગર ખાનગી મિલકતમાં પ્રવેશ કરવા બદલ ગુનો નોંધ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો ગુરુવારે સવારે બન્યો હતો પરંતુ સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી.




બુધવારે રાત્રે આ ઘટના બની ત્યારે શાહરૂખ ખાન 'જવાન'નું શૂટિંગ કરી રહ્યો હતો. ગુરુવારે વહેલી સવારે તે પાછો આવ્યો અને સૂઈ ગયો. જે બાદ 'મન્નત'ના સુરક્ષા કર્મચારીઓએ અંદર છુપાયેલા બંને યુવકોને પકડી લીધા હતા.


શાહરૂખ ખાનની પત્ની ગૌરી વિરુદ્ધ FIR દાખલ


તમને જણાવી દઈએ કે આ પહેલા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ મુંબઈના એક વ્યક્તિ દ્વારા લખનૌમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે તેણે બિલ્ડર કંપની તુલસિયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડમાં કરોડોની કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો જેની બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન છે. તેણે દાવો કર્યો હતો કે તેણે ગૌરી ખાનથી પ્રભાવિત થઈને જ ફ્લેટ માટે 86 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તેને ફ્લેટનો કબજો મળ્યો નથી.