નવી દિલ્હીઃ બોલિવૂડ એકટર શેખર સુમને 'એક મુલાકાત'ના રેકોર્ડિંગને લઈ લેખક, નિર્દેશક અને નિર્માતા સૈફ હૈદર હસનને નોટિસ મોકલી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ રેકોર્ડિંગને લઈ તેમની મંજૂરી લેવામાં આવી નહોતી. કાનૂની નોટિસમાં ટિકિટ પોર્ટલ બુક માય શોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુમન અને હૈદર 2014માં એક મુલાકાત માટે સાથે આવ્યા હતા. આ માટે તેમણે દુબઈ, સિંગાપુર, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનઉ, હૈદરાબાદ, લુધિયાણા, ઈન્દોર અને નવી દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. જેમાં દીપ્તિ નવલ પણ હતી.

અભિનેતાએ હસનને મોકલેલી નોટિસમાં કોપીરાઈટનો ભંગ અને ઈન્ટેલએક્ચુઅલ પ્રોપર્ટીના અધિકારનું ઉલ્લંઘન, પરસ્પર સહમતિ વગર કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ પર 'એક મુલાકાત'ના વિતરણ સંબંધી ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, સમજૂતી પર હસ્તાક્ષર સમયે બંને કલાકારો દ્વારા નાટક માટે વિશેષ રીતે થિયેટરમાં પ્રસારણની વાત હતી, ન કે વેબકાસ્ટ અને બ્રોડકાસ્ટની. આ અંગે અભિનેતાએ કહ્યું, હું કોઈપણ પાર્ટીની કરિયરને ખતરામાં નાંખવાની મંજૂરી ન આપી શકું. ડાયરેકટરે મારી મંજૂરી વગર પૂરા નાટકનું રેકોર્ડિંગ કર્યુ હતું.