નવી દિલ્હીઃ એક્ટર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન સાઉથી લઈને બોલિવૂડ ફિલ્મો સુધી પોતાની ઓળખ બનાવી ચૂકી છે. જોકે તેણે ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેમ છતાં તેને દર્શકો ખૂબ પસંદ કરે છે. શ્રુતિ એક્ટિંગની સાથે સાથે સામાજિક કાર્યોમાં ભાગ લે ચે. હાલમાં જ તેણે એક કાર્યક્રમમાં કહ્યું કે, બોલિવૂડની જેમ જ સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મહિલા એક્ટર સાથે ભેદભાવ કરવામાં આવે છે.


શ્રુતિ હાસને કહ્યું કે, એવું નથી કે ખાલી બોલિવૂડમાં જ ફીમેલ એક્ટરને ઓછી ફીસ મળે છે એવું સાઉથ ઈંડસ્ટ્રીમાં પણ થાય છે. ત્યાં પણ પુરુષ એક્ટરને મહિલા એક્ટર કરતાં વધારે ફીસ અને સુવિધાઓ મળે છે. આ સુધારાની શરૂઆત છે, પરંતુ આશા છે કે આવનારા સમયમાં મહિલાઓને સમાનતાનો અધિકાર મળે.



એક સમારોહમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન શ્રુતિએ કહ્યું, મહિલાઓના અધિકારો માટે લોકો રેલીઓ કાઢે છે, અને વિરોધ પ્રદર્શન કરે છે, મને આ વિચિત્ર લાગે છે. કારણ કે મહિલાઓના અધિકાર અને સુરક્ષા માટે આજે પણ આપણે રેલીઓની જરૂર પડે છે. આ વર્ષોથી થતું આવ્યું છે. શ્રુતિએ આગળ વાત કરતાં કહ્યું કે, મને નથી લાગતું કે આ માત્ર આપણા દેશમાં જ થાય છે. આ બધું આખી દુનિયામાં થઈ રહ્યું છે.